પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૨


આવા એ અદ્ભુત વ્યક્તિના અસામાન્ય ઉપકારો ધીમે ધીમે સમયજ સર્વ કોઇને સમજાવશે.

સ્વામી દયાનંદજીના સમયમાંજ બંગાલા તરફ બીજો એક વિશુદ્ધ બ્રહ્મપુત્ર કલકત્તાથી થોડાક માઈલ દૂર ગંગા કિનારે આવેલા એક એકાંત સ્થળમાં પોતાના જ્ઞાન ચારિત્રના અદ્ભુત પ્રકાશ વડે પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશની પ્રભાએ કલકત્તાનિવાસી પુષ્કળ સંસ્કારી હૃદયોને સાનંદાશ્ચર્યમાં નાખી પોતા તરફ ખેંચ્યાં હતાં અને દીવાથી દીવો પ્રકટે તેમ તેમાંનાં અનેક ઉન્નત હૃદયો પરમાત્મ સાક્ષાતકારને પામી કૃત્યકૃત્ય થયાં હતાં. એમાં આપણા ચરિત્ર નાયક સ્વામી વિવેકાનંદ સર્વથી મુખ્ય હતા. રાત્રિના સમયે ચંદ્ર જેમ પૃથ્વીથી દૂર હોવાને લીધે સૂર્યના પ્રકાશનો ભોક્તા બની શકે છે; એટલું જ નહિ પણ પૃથ્વી પરનાં ગાઢ અંધકારમાં ડૂબેલાં અસંખ્ય મનુષ્યોને પણ પરાવર્તનરૂપે તે પ્રકાશનો લાભ આપી શકે છે; તેજ પ્રમાણે જગતનાં મોહ મમતાથી દૂર રહીને પરમહંસ દેવ જેવા આદર્શ ગુરૂ પાસેથી નરેન્દ્રે (પૂર્વાશ્રમમાં સ્વામી વિવેકાનંદનું એ નામ હતું ) પોતાના બાળક જેવા સરલ, સુકોમળ અને વિશુદ્ધ હૃદયમાં, તેમના અસામાન્ય જ્ઞાન ચારિત્રનો પ્રકાશ ઝીલી લઈને મુક્તભાવ પ્રાપ્ત કર્યો હતો; અને એમ આપ્તકામ બનીને પછી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં તેના પરીવર્તનરૂપે એ જ્ઞાન પ્રકાશને પૂર્ણિમાના ચંદ્ર જેવી પૂર્ણ કળાથી, પૂર્ણ નિષ્કામતાથી, અને પૂર્ણ ઔદાર્યથી પુરો પાડ્યો હતો.

સ્વામી દયાનંદજી તેમજ સ્વામી વિવેકાનંદજી બંને અસામાન્ય કોટિના સંન્યાસીઓ હતા. દિનહિન ભારતભૂમિના ભવ્ય ભાગ્યાકાશના આ બંને અદ્ભુત આવાહકો હતા. ભારતવાસીઓની દુર્દશાથી બંનેનાં હૃદય ચીરાઈ જતાં હતાં. હિંદુ જાતિરૂપી મહાવૃક્ષના ધર્મરૂપી મૂળ