પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મારી મશ્કરી કરો છો ?” રાજાએ જવાબ આપ્યો “નહીં, સ્વામીજી જરાયે નહીં. ખરેખર, બીજા લોકોની માફક લાકડાની, માટીની, પથ્થરની કે ધાતુની મૂર્તિને પૂજવાનું મને જરાયે મન થતું નથી. શું આવતા જન્મમાં મારી માઠી વલે થશે ?” એક ભીંત ઉપર મહારાજાની છબી ટાંગેલી દેખાતી હતી. એકદમ સ્વામીજીએ તે મંગાવી અને તેને હાથમાં લઈને દિવાનને પુછવા લાગ્યા “આ છબી કોની છે?” દિવાને જવાબ આપ્યો "તે અમારા મહારાજ સાહેબની છે !” સ્વામીજીએ દિવાનને તેના ઉપર થુંકવાનું કહ્યું ! આ સાંભળીને સઘળા અધિકારીઓ તો ડરીજ ગયા ! સ્વામીજી બોલ્યા "એના ઉપર થુંકો ! તમારામાંથી કોઈ એના ઉપર થુંકશે ? એ એક કાગળનો કકડો છે; એના ઉપર થુંકવામાં તમને શી હરકત છે ?” દિવાન સાહેબ ચકિત થઈ ગયા અને સઘળા શ્રોતાઓ ભય અને આશ્ચર્યથી રાજા અને સ્વામીજી તરફ જોઈ રહ્યા ! પણ સ્વામીજી ફરી ફરીને કહેવા લાગ્યા “એના ઉપર થુંકો ! એના ઉપર થુંકો !” દિવાન સાહેબ ગભરાયા અને બોલી ઉઠ્યા “આ શું કહો છો. સ્વામીજી ! આ અમારા મહારાજ સાહેબની છબી છે; તેના ઉપર હું શી રીતે થુંકી શકું ?” સ્વામીજી બોલ્યા “પણ તમારા મહારાજ એમાં કંઈ બેઠેલા નથી ! એ તો એક કાગળના કકડો છે ! તમારા મહારાજાનાં હાડકાં, માંસ કે લોહી તેમાં નથી ! મહારાજાની માફક તે બોલતી નથી કે ચાલતી નથી ! છતાં પણ તેના ઉપર થુંકવાની તમે ના પાડો છો ! તેનું કારણ એજ કે તેમાં તમે મહારાજાની છાયા જુવો છો. તેના ઉપર થુંકવાથી તમે તમારા મહારાજા સાહેબનું અપમાન કરશો એમ તમને લાગે છે.” મહારાજા તરફ વળીને સ્વામીજી કહેવા લાગ્યા “મહારાજ સાહેબ, એક રીતે તમે પોતે આ છબી નથી, તોપણ બીજી રીતે તમે પોતેજ તે છો ! આથી કરીને જ