પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કાવ્યરૂપજ બની રહેલાં હતાં. ભારતવર્ષની પ્રાચીન જાહોજલાલી, વર્તમાન દુર્દશા અને તે દુર્દશાને દૂર કરવાની ઉંડી લાગણીઓથી તેમનો અંતરાત્મા છલાછલ ઉભરાઈ રહેલો હતો. ”

“જે જે કાંઈ ભારતવર્ષના પાયારૂપ હોય, તેના જીવનને અને અંગોને જે કાંઈ પુષ્ટિ આપનારું હોય, તે સર્વને સ્વામીજીએ પોતાના મનમાં ધરી રાખ્યું હતું. તેના જીવનપ્રવાહના ગુહ્ય હેતુઓ તે સમજી ગયા હતા. તેમના હૃદયમાં ઝળહળી રહેલા આધ્યાત્મિક પ્રકાશને લીધે તેમજ ત્યાગવૃત્તિ અને બ્રહ્મચર્યાદિ ચારિત્ર બળને લીધે તેમના અંતઃકરણમાં અખુટ ઉત્સાહ અને અદભુત જુસ્સો તેમજ સૂક્ષ્મથી સૂક્ષ્મ સત્ય જળહળી રહેલાં હતાં; અને બીજા મનુષ્યોને જ્યાં માત્ર ભિન્નતાજ દેખાયા કરતી ત્યાં સ્વામીજીની તળસ્પર્શી દૃષ્ટિને અભેદ દેખાઈ રહેતો. તેમનું મન વસ્તુઓના આંતર સ્વરૂપમાં પ્રવેશ કરતું અને બનાવોને તેમના આબેહુબ સ્વરૂપમાંજ ગ્રહણ કરતું. તેમનું મન ઘણું જ તલસ્પર્શી હતું અને તેમનું જ્ઞાન અનુભવ સિદ્ધ હતું. સર્વર્ધમ પરિષદમાં સમસ્ત ભારતવર્ષના પ્રતિનિધિ તરીકે જનાર મનુષ્યમાં આથી વધારે લાયકાત શી હોઈ શકે ? વેદ-વેદાન્ત, બુદ્ધધર્મ, જૈનધર્મ, શૈવ કે વૈષ્ણવધર્મ, ક્રિશ્ચિયન કે ઈસ્લામધર્મ, સર્વને સમજાવવાને આથી વધારે તૈયારી શી હોઈ શકે? શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે સર્વધર્મ પરિષદ્‌રૂપજ હતા તેમના આ પ્રિય શિષ્ય સિવાય આવા કાર્યને માટે યોગ્ય પુરૂષ બીજું કોણ હોઈ શકે ?”

સમુદ્રયાન.

આગબોટ આગળ ને આગળ વધવા લાગી. સમુદ્રની મુસાફરી સ્વામીજીએ કદી કરી નહોતી. અત્યાર સુધી માત્ર દંડ અને કમણ્ડલુ લઈને જ તેઓ હિંદમાં વિચર્યા હતા, તેને બદલે હવે તેમને ઘણો સામાન સાથે રાખવો પડ્યો હતો. અને તેને લીધે તેમને ઘણો શ્રમ