પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
૨૭૭
પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન.


વેઠવો પડતો હતો. પણ થોડા વખતમાંજ સ્વામીજી પરિસ્થિતિને અનુકુળ થઈ રહ્યા. તેમના આનંદી સ્વભાવ અને ભવ્ય આકૃતિને લીધે તેઓ આગબોટમાં સર્વને પ્રિય થઈ રહ્યા. સ્ટીમરનો કેપ્ટન પણ તેમની સાથે હળી જઈને અહીં તહીં ફરતો. તેણે આખી સ્ટીમર અને તેનાં યંત્રો બતાવ્યાં.

રસ્તામાં અનેક અવનવા સ્થળો અને બનાવો સ્વામીજીની દૃષ્ટિએ ચ્હડતાં હતાં. ઉચ્ચ ભાવનાઓથી ભરેલું તેમનું હૃદય અને સૂક્ષ્મ કલ્પનાશક્તિ સંપન્ન બુદ્ધિ, સમુદ્રમાં ઉઠતાં પાણીનાં મોજામાં, પવનની લ્હેરોમાં અને આકાશમાં અનેક પ્રકારનું સૌંદય જોવા લાગ્યાં અને પરમાત્માના અગાધ મહિમામાં ડૂબવા લાગ્યાં. કોલંબો, સીંગાપોર, હોંગકોંગ વગેરે જે જે સ્થળોએ સ્ટીમર ઉભી રહી, તે તે શહેરોના લોકોની પ્રવૃત્તિઓ અને રીતરિવાજો જાણવાનો જેટલો પણ સમય તેમને મળ્યો તેનો બન્યો તેટલો ઉપયોગ તેમણે કરી લીધો. યોકોહોમાથી લખેલા એક પત્રમાં તેમણે ચીના લોકોના પ્રવૃત્તિમય જીવનનું સુંદર વર્ણન આપી આગળ ચાલતાં તેમાં દર્શાવ્યું હતું કે, ચીનાઓ જેવા વેપારી અને મહેનતુ માણસો જગતમાં બીજે ભાગ્યેજ જડી આવશે. માત્ર તેમની નિર્ધનતાજ તેમને પાછા પાડી રહેલી છે. જાપાનના નાગાસાકી બંદર આગળ સ્ટીમર ઉભી રહી અને સ્વામીજી ઓસાકા, કીસોટો અને ટોકીયો વગેરે સ્થળો જોવાને નીકળી પડ્યા. તેમનું વર્ણન લખી મોકલતાં સ્વામીજીએ લખ્યું હતું કે, “આધુનિક સમયની જરૂરીઆતોનું ભાન જાપાની લોકોમાં પુરેપુરું આવી રહેલું છે. તેઓએ પોતાનું સૈન્ય અનુપમ બનાવી મૂક્યું છે. તેઓ નૌકાસૈન્યને વધારતા જાય છે. ત્યાંનાં દીવાસળીનાં કારખાનાં ઘણાં જોવા જેવાં છે. પોતાને જોઇતી સર્વ, વસ્તુઓ પોતાના દેશમાં જ બનાવવાનો હેતુ ધારણ કરીને તેઓ પ્રબળ