પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પત્ર સ્વામીજીની માતુશ્રી ઉપર મોકલ્યો હતો અને તેની સાથે મેરીના ખોળામાં બેઠેલા જિસસ ક્રાઈસ્ટનું એક ચિત્ર પણ મોકલ્યું હતું. પત્ર નીચે પ્રમાણે હતો.

“સ્વામી વિવેકાનંદનાં માતુશ્રી”

“વ્હાલાં બાઈસાહેબ, આ નાતાલના દિવસોમાં અહીઆં અમે મેરીના પુત્ર જિસસ ક્રાઈસ્ટની પવિત્ર યાદગીરી ઉજવી રહેલાં છીએ. તે સમયે અમને એક વાત યાદ આવે છે કે તમારો યશસ્વી પુત્ર અમારી વચમાં જે મહદ્ કાર્ય કરી રહેલો છે તેને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તેમણે અમારી આગળ એક ભાષણ આપ્યું હતું અને અમને હિંદુ માતાઓના આદર્શો સમજાવ્યા હતા. ઘણીજ ઉદારતાપૂર્વક તેઓ અહીંઆં પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોની સેવા કરી રહેલા છે અને તેને માટે તે તમનેજ કારણભૂત ગણે છે. જેણે તેમનો બોધ સાંભળેલો છે તે તેમની માતા પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવામાં પોતાની જાતને ધન્ય અને આશિર્વાદયુક્ત થયેલી ગણે છે. તમારા યશસ્વી પુત્રની મારફત તમે જે કાર્ય કરી રહેલાં છો, તેને માટે અમારી અંતઃકરણપૂર્વક તમને મુબારકબાદી છે. સમસ્ત જગત્‌ પાછું ભ્રાતૃભાવ અને એકતા તરફ વળવા લાગ્યું છે, એ વાતની આ મુબારકબાદી એક નજીવી નિશાની છે”

અમેરિકામાં વેદાન્તનો બોધ કરતે કરતે પણ સ્વામીજી ભારતવર્ષને ભૂલી ગયા નહોતા. ભારતવર્ષની દીનદુઃખી અવસ્થા તેમના મનમાં એક શુળની માફક સાલ્યા કરતી હતી.

હિંદુસ્તાનમાંના પોતાના અનેક શિષ્યોને પણ સ્વામીજી વિસરી ગયા નહોતા. તેમને તે વારંવાર પત્રો લખી અનેક પ્રકારનો બોધ, ઉત્સાહ, દિલાસો વગેરે આપતા અને તેમને આગળ વધવાને ઉશ્કેરતા