પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૪૦ મું – પોલ ડ્યુસનની મુલાકાત.

સ્વામીજી હમેશની માફક લંડનમાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા. તેમનાં ભાષણો સાંભળીને કેનન વીલ્બફોર્સ જેવા ખ્રિસ્તી ઉપદેશકો પણ તેમને પોતાને ઘેર બોલાવીને ઘણું માન આપવા લાગ્યા. ક્લબો, સમાજો અને ખાનગી રીતે એકઠા થવાની જગ્યાઓમાંથી તેમને આમંત્રણો આવવા લાગ્યાં. કેટલાક અહીં અને કેટલાક અન્ય સ્થળે, એમ વિદ્યાર્થીઓનાં ટોળે ટોળાં એકઠાં થવા લાગ્યાં અને સ્વામીજીને બોલાવીને તેમના વતૃત્વનો લાભ લેવા લાગ્યાં. સ્વામીજીનું ભાષણ એકવાર સાંભળ્યા પછી તે વધારેને વધારે સાંભળવાની તેમને ઉત્કંઠા થવા લાગી. એકવાર એવી એકાદ સભામાં સ્વામીજીએ પોતાનું ભાષણ પુરૂં કરી શ્રોતૃવર્ગને પ્રશ્ન પૂછવાનો અવકાશ આપ્યો હતો. એ સમયે એક વયોવૃદ્ધ તત્વજ્ઞાની તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “સાહેબ, તમે જે કહ્યું તે ઘણી સારી રીતે કહ્યું છે અને તેને માટે હું તમારો ઉપકાર માનું છું; પણ સાહેબ, તમે કશુંએ નવું કહ્યું નથી.” સ્વામીજી મોટે અવાજે જવાબ આપવા લાગ્યા. તેમનો અવાજ આખા હૉલમાં ગાજી રહ્યો. તે બોલ્યા: “સાહેબ, મેં તો તમને માત્ર સત્યનું દર્શનજ કરાવ્યું છે. કાંઈ સત્યને નવીન મેં પેદા કર્યું નથી. પ્રાચીન પર્વતો કરતાં પણ સત્ય અત્યંત પ્રાચીન છે, એટલુંજ નહિ પણ તે અનાદિ અને અનંત છે; તે ત્રિકાલાબાધ્ય છે. મારા શબ્દોથી જો હું તે સત્યની પ્રાપ્તિને માટે તમારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરીને તમને તે વિષે વિચાર કરતા કરી શકું અને તે વિચાર પ્રમાણે તમારું જીવન ઘડવાને તમને પ્રયત્નશીલ બનાવી શકું તો બસ છે. હવે કહો કે હું જે કરું છું તે ખોટું કરૂં છું ?” સભામાં “સાંભળો, સાંભળો” ના પોકાર થઈ રહ્યા. તાળીઓનો