પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧
લંડનથી વિદાયગીરી.


અને તેમના મનમાં લાગણીઓ એટલી બધી ઉભરાઈ રહી કે તેના પ્રવાહમાં શ્રોતાવર્ગ પણ પોતાનું ભાન ભૂલી ગયો અને સ્વામીજીની સાથે આત્માના પ્રદેશમાં ઉડવા લાગ્યો. ગુરૂ શબ્દદ્વારા પણ સ્વાનુભવને શિષ્યના હૃદયમાં કેવી રીતે ઉતારી શકે અને તેને પરમાત્માની ઝાંખી કરાવી શકે, એવી ખાત્રી આ પ્રસંગે સૌના મનમાં થઈ. સ્વામીજી સઘળાં ભાષણો મ્હોંડેથીજ આપતા હતા અને તેને માટે પ્રથમથી નોંધ વગેરે કરતા નહોતા. તત્વજ્ઞાન જેવા ગહન વિષયને એક રમકડાની માફક તેમને હાથમાં રમાડતા જોઇને સઘળા અંગ્રેજો અત્યંત ચકિત થતા અને તેમને અવતારિક પુરૂષ તરીકે ગણતા.

ધીમે ધીમે સ્વામીજીના શિષ્યો અને મિત્રોને માલમ પડ્યું કે સ્વામી વિવેકાનંદ હિંદુસ્તાનમાં પાછા જવાની તૈયારી કરી રહેલા છે. એ ખબરથી સર્વને દિલગીરી થવા લાગી. સર્વેએ મળીને નક્કી કર્યું કે સ્વામીજીને એક માનપત્ર આપવું. તેની વ્યવસ્થા કરવાનું કામ મી. સ્ટર્ડીએ માથે લીધું હતું. તેમણે અને મી. જે. જે. ગુડવીને મળીને સર્વેને આમંત્રણ મોકલ્યાં. અને એક ગંજાવર સભા સ્વામીજીને માનપત્ર આપવાને એકઠી મળી. લંડનના સઘળા ભાગોમાંથી મનુષ્યો ત્યાં આવીને ભેગાં થયાં હતાં. વળી કેટલાંક દૂરનાં પરાંમાંથી પણ સ્ત્રી પુરૂષો ત્યાં આવ્યાં હતાં. સ્વામીજી તે સભામાં પધાર્યા તે વખતે સર્વત્ર શાંતિ પ્રસરી રહી અને સર્વનાં હૃદય પ્રેમથી ઉભરાઈ રહ્યાં. શોકની કંઈક કંઈક છાયા સર્વનાં મુખ ઉપર છવાઈ રહેલી જણાતી હતી અને સ્વામીજી પાછા ક્યારે આવશે તે વિષેની આતુરતા સર્વના મનમાં ઉદ્‌ભવી રહેલી હતી. પીકેડીલીમાં રોયલ સોસાયટી ઓફ પેન્ટર્સ છે. તેના મોટા હૉલમાં માનપત્ર આપવાની ક્રિયા કરવામાં આવી હતી. મી. એરીક હમંડ નામના એક અંગ્રેજ મિત્રે તે સભાના કાર્યનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે;—