પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરતુંજ જણાય છે. અંગ્રેજો કામ કરનારા છે, માત્ર વાતોજ કરનારા નથી. કેપ્ટન સેવીઅર અને તેમનાં પત્ની તથા મી. ગુડવીન મારી સાથે હિંદમાં આવવાનાં છે. ત્યાં તેઓ મારી સાથે કામ કરવાનાં છે. તેઓ પોતાનું સઘળું દ્રવ્ય હિંદના કાર્યમાં વાપરવાનાં છે. અહીંઆં હજારો મનુષ્યો તેમ કરવાને તૈયાર છે. ઉંચા દરજ્જાવાળાં સ્ત્રીપુરુષો અને યુવાન કન્યાઓ પણ જે એકવાર તેમના મનનું સમાધાન થાય તો સત્યને માટે ગમે તે કરવા તત્પર બની જાય છે.”

“હિંદમાં મારૂં કાર્ય શરૂ કરવાને માટે દ્રવ્યની સહાય મને અહીંઆંથી મળેલી છે અને હજી ઘણી મળશે. અંગ્રેજો વિષેનો મારો અભિપ્રાય તદ્દન બદલાઈ રહેલો છે. હવે હું સમજી શક્યો છું કે પ્રભુએ તેમને શા માટે અન્ય પ્રજાઓ કરતાં વધારે સત્તાવાન બનાવેલા છે. તેઓ સ્થિર મનના છે, અત્યંત સહૃદય છે, તેમનામાં ઘણી ઉંડી લાગણીઓએ વાસ કરેલ છે. અન્ય પ્રજા તરફ કંઇક તિરસ્કારની લાગણી તેમના મુખ ઉપર જોવામાં આવે છે એ વાત ખરી, પણ એટલી લાગણીને જો દૂર કરાવાય તો પછી અંગ્રેજોને તેમના શુદ્ધ સ્વરૂપમાં તમે નિહાળશો.”

વળી બીજે પ્રસંગે સ્વામીજીએ લખ્યું હતું કે:—

“અંગ્રેજો સ્થિર મનના છે. અન્ય પ્રજાઓમાં માંહ્ય માંહ્ય એક બીજાના તરફ અદેખાઈ જોવામાં આવશે, પણ અંગ્રેજોમાં પરસ્પર અદેખાઈ તમે કદીએ જોશો નહિ. તેજ કારણથી તેઓ આખી દુનિયા ઉપર રાજ્ય કરી રહેલા છે. ખરું આજ્ઞાંકિતપણું તેઓ બરાબર સમજે છે, પણ એક ગુલામનું ખુશામતીયાપણું તેમનામાં જરાએ નથી. મોટી સ્વતંત્રતા તેઓ ભોગવે છે, પણ તેની સાથે કાયદાનો કે વિનયનો ભંગ તેઓ કરતા નથી.”

લંડનથી કેલે અને ત્યાંથી ફ્રાન્સ અને આલપ્સમાં થઇને