પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વગર ઈંગ્લાંડમાં પણ હું વેદાન્તનો બોધ કરી શકતો નહોતો. તેવીજ રીતે હિંદમાં નવો સામાજીક સુધારો તેના ધાર્મિક જીવનમાં કેટલો વધારો કરી શકશે, અથવા અમુક રાજકીય વિષયથી પ્રજાના વ્હાલા ધર્મમાં કેટલો ઉમેરો થશે, તે સમજાવ્યા પછીજ સામાજીક કે રાજકીય વિષયનો બોધ કરવાનો છે. જેમ દરેક મનુષ્ય પ્રથમ પોતાની પસંદગી નક્કી કરીને પછી જ કાર્ય કરે છે તેમજ દરેક પ્રજા પણ કરે છે. આપણે હજારો વર્ષ પૂર્વે આપણી પસંદગી કરી લીધેલી છે અને આપણે કરેલી પસંદગી કંઈ ખોટી નથી.”

સ્વામીજીનું માનવું એવું હતું કે ભારતવર્ષમાં કાંઈ પણ સામાજીક કે રાજ્યવિષયક સુધારણા કરતાં પહેલાં પ્રજામાં ધર્મભાવનાની જાગૃતિ કરવી જોઇએ. ઉપર ઉપરથી જોનારને ભારતવાસીઓ ગમે તેવા જણાતા હશે; પણ તેમના હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષતા ઉંડાં પ્રવેશી રહેલાં છે.

પ્રાચીન સમયમાં ભારતવર્ષનું ધ્યેય ધર્મ હતો. મુસલમાનોના રાજ્યમાં અનેક સંકટો પડવા છતાં પણ હિંદુ પ્રજા પોતાના ધર્મને લીધેજ ટકી રહી હતી. ધર્મ વડેજ હિંદ પ્રાચીન સમયે જગતમાં સર્વોપરિ સ્થાન ભોગવી રહ્યું હતું. ધર્મ વડેજ હિંદના મહાન ઋષિયો જગતને અનુપમ તત્વજ્ઞાન આપવાને શક્તિમાન થયા હતા. ધર્મ વડેજ હિંદમાં નિઃસ્વાર્થ બુદ્ધિ, સાદું જીવન, પરોપકાર અને સાધુતા વસી રહેલાં હતાં, અને ધર્મ વડેજ હિંદમાં સંપ અને ઐક્ય વાસ કરી રહેલાં હતાં. અત્યારે ભારતવર્ષ જે દુર્દશામાં આવી પડેલો છે તેમાંથી તેને જાગૃત કરવાનો ઉપાય પણ ધર્મજ હોવાથી સ્વામીજી કહેતા હતા કે, પ્રજાની ધર્મ વૃત્તિને જાગૃત કરો, તેના હૃદયના ઉંડા ભાવોને ખીલવો, તેની ગૂઢ આંતર શક્તિઓનો અભ્યાસ કરીને તેમનું પોષણ કરો અને તેમને યોગ્ય માર્ગે વાળો; એટલે અખિલ ભારતવર્ષનું સામર્થ્ય