પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

ખશી નહોતી. રસ્તામાં જતી ગાડીઓની લાંબી હાર જોવાનો તેને અત્યંત શોખ હતો. વારે ઘડીએ ઘરમાંથી તે ન્હાસી જાય અને બજારમાં ઉભો ઉભો ગાડીઓને તે જોયા કરે ! ગાડી ઉપર બેઠેલા ગાડીવાનો, તેમના હાથમાં ઝાલેલી ચાબુકો, તેમનો નિસ્પૃહી સ્વભાવ અને તેમનું એકાદ ગીતનું લલકારવું આ સઘળું તેને અત્યંત પ્રિય થઈ પડતું. એક દિવસ ગાડીમાં બેઠે બેઠે વિશ્વનાથે તેની આવી પ્રીતિ જોઈ અને સવાલ કર્યો : “મારા દિકરા, તું મોટો થઇશ ત્યારે કોણ થઇશ ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “અલબત, ગાડીવાન !” કેવો બાળકનો નિર્દોષ સ્વભાવ ! જે વાત હાથમાં ધરવી તે વાતમાં તદ્દપ બની તેનેજ શ્રેષ્ઠ માનવી અને મનાવવી ! આ સ્વભાવને લીધેજ નરેન્દ્ર મોટો થયો ત્યારે પણ તે જે જે વિષયને હાથમાં ધરતો તે તે વિષયના શ્રેષ્ઠપણાનું ભાન સર્વને કરાવતો.

પ્રકરણ ૪ થું ― સરસ્વતી દેવીને અર્પણ.

નરેન્દ્ર છ વર્ષનો થયો ત્યારે તેને એક ગામઠી સંસ્કૃત પાઠશાળામાં મુકવામાં આવ્યો. જે દિવસે નિશાળની શરૂઆત કરી તે દિવસે ઘરમાં મોટા ઠાઠથી સરસ્વતી દેવીનું પૂજન થયું. વેદના અનેક મંત્રો ભણવામાં આવ્યા અને અંતઃકરણોએ એકત્ર થઇને પ્રાર્થના કરી અને માતાપિતાએ પોતાના બાળકને સરસ્વતી દેવીને અર્પણ કર્યું ! કેવા ભાવથી, કેવી શ્રદ્ધાથી અને કેવા ઉલાસથી બાળક અર્પણ થયું હશે કે સરસ્વતી દેવીએ તેને પોતાનું જ કરી લીધું ! શુદ્ધ અને શ્રદ્ધાવંત અંતઃકરણોની આશીષ અને ઈચ્છા સત્વર ફળીભૂત થાય છે. કેટલાં માબાપો આવી શ્રદ્ધાથી પોતાનાં બાળકોને નિશાળે મુકે છે અને સરસ્વતીને અર્પણ કરે છે. હિંદુશિક્ષણનાં તત્ત્વો કાંઈક જુદાંજ છે !