પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૭
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


બહાદુર સંન્યાસીઓ, વૈરાગ્યનો ભગવો ઝુંડો–શાંતિ, મુક્તિ અને આનંદની ધ્વજા–હાથમાં ધરીને તમારે માર્ગે વિચરો. અને તે ક્યાં સુધી કે જ્યાં સુધી દરેકે દરેક પ્રદેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહે, જ્યાં સુધી જગતનાં સર્વે સ્ત્રી પુરૂષો બંધનોથી મુકત થાય અને સંપૂર્ણ આનંદમાં નવીન જીવનનો આરંભ કરે ત્યાં સુધી.”

વૈદ્યનાથ જઇ આવ્યા પછી સ્વામીજીની તબીયત કંઈક ઠીક થઈ હતી અને તેમના મનમાં લોકકલ્યાણની અનેક યોજનાઓ રમી રહી હતી. તેમનામાં પુષ્કળ જુસ્સો લોકહિતનાં કાર્યોમાં વહેવાને ઉછાળા મારી રહ્યો હતો. વૈદ્યનાથથી આવ્યા પછી તરતજ સ્વામીજીએ મઠના સાધુઓને એકઠા કર્યા અને તેમને કહ્યું કે જેમ ક્રાઈસ્ટના શિષ્યો લોકોને ઉપદેશ કરવાને માટે નીકળી પડ્યા હતા તેમ તમે પણ નીકળી પડો અને શ્રીરામકૃષ્ણનો સંદેશ સર્વત્ર ફેલાવી મુકો. સ્વામીજીએ પોતાના શિષ્યો–સ્વામી વિરજાનંદ અને પ્રક્ષાનંદ–ને કહ્યું કે તમે ઢાકા જાઓ અને તમારૂં કાર્ય શરૂ કરો. વિરજાનંદ કહેવા લાગ્યા કે “સ્વામીજી, હું તો પ્રભુના નામ સિવાય બીજું કંઈ પણ જાણતો નથી; હું શેનો બોધ કરીશ ?” સ્વામીજી બોલી ઉઠ્યા “ત્યારે લોકો પાસે જઈને તેવુંજ કહો, કેમકે એ પણ એક મોટો ઉપદેશજ છે.”

કોઇપણ પ્રકારે કામ કરો, મારા દિકરા, કામ કરો. તમારા ખરા અંતઃકરણથી કામ કરો. અને ફળની આશા રાખશો નહિ. બીજાઓને માટે કાર્ય કરતે કરતે નરકે જવાય તોપણ શું થયું ? એવી રીતે મળેલું નરક પણ બીજા સકામ ભાવે કરોડોનાં દાન કે જન્મારા સુધી જપ તપ કર્યા કરનારાઓને મળનારા સ્વર્ગ કરતાં અનેક ગણું ઉન્નતિ તથા આનંદને આપનારૂં થઈ રહેશે. પછીથી સ્વામીજીએ એ બે શિષ્યોને પૂજા કરવાની ઓરડીમાં બોલાવ્યા અને ત્રણે જણ ધ્યાનમાં બેઠા. ધ્યાનમાંથી ઉઠ્યા ૫છીથી સ્વામીજી ગંભીરપણે