પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આશ્રમનો લાભ લેવા આવે છે. રામકૃષ્ણ મિશનના સાધુઓનાં વિશાળ હૃદય, કાર્યદક્ષતા અને આત્મભોગનો યથાર્થ ખ્યાલ આ સ્થળે થતું કામકાજ જોવાથીજ આવી શકે તેમ છે આ આશ્રમમાં બ્રહ્મચારીઓ તેમજ સંન્યાસીઓ મળીને દસ ઉપરાંત માણસો સેવાનું કામ બજાવે છે. આસપાસથી બોલાવવામાં આવે ત્યાં રોગીઓની સારવાર કરવાને જવું, આશ્રમમાં આવતા દર્દીઓને તપાસવા, દવા આપવી, ગડગુમડ ધોઈ સાફ કરીને પાટા બાંધવા, આશ્રમમાં નિરાધાર સાધુઓને તેમજ યાત્રીઓને રાખવામાં આવ્યા હોય તેમનાં બિછાનાં સાફ રાખવાં, તેમને વખતસર દવા અને ખોરાક પહોંચાડવું, તેમના ઓરડા રોજ વાળીઝૂડીને સાફ રાખવા તેમજ તેમનાં એઠાં વાસણ ઉપાડી જઈ સાફ કરવાં, કોલેરાના તેમજ બળીયા વગેરે ચેપી રોગની અને ત્રિદોષની સખત વ્યાધીઓથી પીડા પામતા આશ્રમમાં રાખેલા દરદીઓની પાસે રાત્રિ દિવસ વારા ફરતી રહીને તેમની સર્વ પ્રકારની સેવા ચાકરી કરવી, વગેરે સર્વ પ્રકારનાં કામો ઉપલા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓજ બજાવે છે. કોઈ નિરાધાર રોગી કોઈ ઠેકાણે સહાય વિના રસ્તામાં કે ઓટલા પર પડી રહેલો જોવામાં આવતો તો તેને ઉંચકી લાવવાનું તેમજ આશ્રમમાં કોઈ દરદી મરી જાય તો તેને ઉંચકી જઈ ઠેકાણે પાડી આવવાનું કામ પણ આ કનક કાન્તાના ત્યાગી સંત પુરૂષોજ બજાવે છે. બીજો એક એવો સેવાશ્રમ બનારસમાં પણ સ્થપાયેલો છે. પહેલીવાર પશ્ચિમમાંથી પાછા આવ્યા પછી સ્વામીજી બનારસ થોડા દિવસ રહ્યા હતા. તે વખતે ત્યાંના એક પરોપકારી સદગૃહસ્થ બનારસમાં સેવાશ્રમ સ્થાપવાને માટે એક મોટી રકમ સ્વામીજીને ભેટ કરી હતી. સ્વામીજીની આજ્ઞાથી સ્વામી શિવાનંદ બનારસ ગયા હતા અને ત્યાં એક વાડીમાં આવેલું મકાન ભાડે રાખીને તેમણે આશ્રમની