પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 જણાવ્યા જેવી સાદાઈ, કાળજી, બાળચેષ્ટા અને નિરાભિમાનતાનો સુયોગ થયેલો હતો. હાલની પાશ્ચાત્ય કેળવણી લઈ પોતાને સુશિક્ષિત માની ઈશ્વરશ્રદ્ધા, વ્યવહારકુશળતા અને સાદાઈને તુચ્છ ગણી મોજશોખમાંજ જીવનને વ્યતીત કરનારા યુવકો કેવા દયાપાત્ર છે એ અહીં વર્ણવી બતાવવાની જરૂર નથી.

પોતાના મઠમાં સ્વામીજીને ઘણીજ સ્વતંત્રતા લાગતી; કેમકે અહીંઆં તે પોતાની મરજી પ્રમાણે હરફર કરી શકતા હતા. કોઈવાર ઉઘાડે પગે, કોઈ વાર એકલી કૌપીનજ ધારણ કરીને તો કોઈવાર તે એકાદ નાનું ભગવું વસ્ત્ર કેડથી ઘુંટણ સુધી વીંટીનેજ અહીં તહીં ફરતા. પરદેશીઓનો પોશાક તેમને પસંદ ન હોતો. કોટ, ખમીસ, પાટલુન કે બૂટ પહેરવાં તેમને ગમતાં નહિ, તેથી તેમને કંટાળો આવતો. તેમાં વળી ગળે કૉલર પહેરાવો તો એમને બીલકુલ ગમતો નહિ. એનાથી તે બહુજ કંટાળતા અને એને બંધન સમાન ગણતા. તે હમેશાં સાદાં, ખુલ્લાં, દેશી વસ્ત્રો પહેરવાનુંજ પસંદ કરતા અને એકાંતવાસમાં શાંત જીવન ગાળવાનું ચ્હાતા.

સ્વામીજી સૌની સાથે મઠમાં સ્થાપેલા દેવળમાં જતા અને ત્યાં શ્રીરામકૃષ્ણની પ્રતિમા સામે ધ્યાન કરવા બેસતા. કોઈવાર તે ગુરૂભાઈઓ અને શિષ્યોને લઈને અખાડામાં કસરત કરવા જતા તો કોઈવાર એકલાજ બહાર ફરવા નીકળી પડતા. ફરતે ફરતે તે મોટેથી ભજન ગાતા અને એના એજ શબ્દો ફરી ફરીથી ઉચ્ચારીને તેની ધુનમાં એટલા બધા મગ્ન થઈ જતા કે કલાકોના કલાકો સુધી એ પ્રમાણે કર્યાજ કરતા, ખરેખર સ્વામીજી જ્યારે મઠમાં હોય ત્યારે મઠ અને તેની આસપાસની હરવા ફરવાની ભૂમિમાં સર્વત્ર પવિત્રતા, અને આધ્યાત્મિકતાનું વાતાવરણ પથરાઈ રહેતું.

સ્વામીજીની પાસે ઘણા જીજ્ઞાસુઓ આવતા પણ તેમના ગુરૂભાઇઓ