પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જેવા વીરરસથી ભરપુર નાદ ઢોલ ઉપર વગાડવાના છે. "મહાવીર, મહાવીર, હર, હર, મહાદેવ ” ની પ્રબળ જય ગર્જનાઓથી આપણે પૃથ્વીને ગજાવવાની છે. મૃદુભાવને ઉત્પન્ન કરનારાં ગીત તો જરૂર હવે આપણે બંધ કરવાં જોઇએ અને વેદના ઘોષની ગર્જનાથી દેશને જાગૃત કરવો જોઈએ. આપણી દરેક પ્રવૃત્તિમાં આપણે વીરત્વનો જુસ્સો દાખવો જોઈએ. એવા વીરત્વના આદર્શથીજ આપણી માતૃભૂમિનું કલ્યાણ થશે અને તમે જો તમારું ચારિત્ર્ય એ પ્રમાણે ઘડશો તો બીજાઓ પણ તમારો દાખલો લેશે. વળી એટલું યાદ રાખજો કે સત્યના માર્ગમાંથી એક ઈંચ પણ આડું અવળું ડગલું ભરશો નહિ અને નિર્બળતાથી કદીએ દબાઈ જશો નહિ. આ પ્રમાણે કરવાથીજ શ્રીજગદંબાની કૃપા તમારા ઉપર થશે.”

શિષ્યે સ્વામીજીને કહ્યું: “મહારાજ, કોઈ કોઈવાર હું નાઉમેદ થઈ જાઉં છું અને હું શું કરી શકવાનો છું એ મનમાં થઈ આવે છે તેનું કેમ કરવું ?”

સ્વામીજીએ કહ્યું કે એવે વખતે તરતજ વીર પુરૂષની માફક ઉભો થા અને મનમાં નહિ પણ મોઢેથી ઘાંટો પાડીને કહે કે, "મારામાં અગાધ સામર્થ્ય રહેલુ છે." "મારામાં પવિત્ર બુદ્ધિએ વાસ કરેલો છે. મારામાં શ્રેષ્ઠ જ્ઞાન રહેલું છે. હું આનંદમય બ્રહ્મ છું.” “હું અમુકનો શિષ્ય છું.” “શ્રીરામકૃષ્ણના મિત્રોનો હું મિત્ર છું. કાંચન અને કામિનીનો વિજેતા છું.” એવા વિચાર કરીને તારા સ્વમાનને ટકાવી રાખ. જેનામાં એવું સ્વમાન નથી તેનામાં બ્રહ્મ કદીએ જાગૃત થતો નથી. તે રામપ્રસાદનું ભજન સાંભળ્યું નથી ? તે કહે છે કે “મારે માથે સાક્ષાત જગદંબા બિરાજે છે, પછી જગતમાં મને કોની બીક છે ?” એવા જુસ્સાને એવે સમયે તારા હૃદયમાં જાગૃત કરી મૂક; એવે સમયે શ્રી હનુમાનનું નામ લે;