પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નારાયણનેજ જમાડ્યા છે.” પછીથી એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજીએ કહ્યું હતું કે “મેં તેમનામાં સાક્ષાત નારાયણનાંજ દર્શન કર્યા હતાં. તેઓ કેવા સાદા અને ભોળા છે. તેઓ મને ખરા અંતઃકરણથી ચ્હાય છે.” પછીથી થોડીક વારે સ્વામીજી સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને કહેવા લાગ્યા કે:―

“જુઓ, આ ગરિબ અભણ લોકો કેવા સાદા અને ભોળા છે? તમારો હિંદુસ્તાન અત્યારે મોટે ભાગે આવા નિર્દોષ, સાદા, મહેનતુ, પ્રમાણિક અને ધર્મપ્રેમી લોકોથીજ ભરેલો છે; પરંતુ, બીજાઓ તેમના ઉપર ચઢી બેસવાને લીધે તેઓ લુખું સુંકું અન્ન પણ બે વખત પામી શક્તા નથી. મંદવાડમાં તેમને કોઈ દવા પણ આપતું નથી. માંહોમાંહે કજીયા ન કરવા માટે તેમને કોઈ સમજાવનારું હોતું નથી. પુસ્તકોનો નિર્દોષ અને ઉન્નતિપ્રદ આનંદ લેવા માટે તેમને કોઈ વાંચતાં શિખવનાર કે વાંચી સંભળાવનાર હોતું નથી. અફસોસ, કેવા દેવ જેવા માણસો અને તેમની કેવી દુર્દશા !” આ શબ્દો બોલતાં બોલતાં સ્વામીજીનું શરીર કરૂણાના આદેશથી ધ્રૂજવા લાગ્યું અને તેમની આંખોમાંથી બોર બોર જેવાં આંસુ ખરવા લાગ્યાં. તેઓ જેમ તેમ હૃદયના વેગને રોકીને બોલ્યા કે “ઓ હિંદના સાધુઓ ! ઓ ઋષીમુનિનાં સંતાનો! સર્વ વ્યાપી પ્રભુનાં આ લાખો કરોડો જીવતાં જાગતાં મંદિરોમાંનો કચરો પંજો સાફ કરવા અને તેમાં અપૂજ્ય પડી રહેલા શિવ ભગવાનને સેવાપૂજાથી પ્રસન્ન કરવાને તત્પર થશો ? મોક્ષ મેળવવાને માટે આથી વધારે સારો, સહેલો અને બંધ બેસતો ઉપાય અત્યારે બીજો કયો છે ? પેાતાના પ્રાણ અને સર્વસ્વ બીજાને માટે અર્પણ કરી દેવાં એજ વર્તમાન સમયનો સાચો સંન્યાસ છે. ભાઈઓ મોક્ષ ખાતર નહિ, તો માનવદયાને ખાતર પણ, તમે આવાં મનુષ્યોનાં કાંઈપણ દુઃખ ટાળી શકશો ? તેમ ન કરો તો પછી