પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
તાર્કિક બોધ

અને અગાડી મહાવત બેઠો હતો; એવું તેણે દીઠું, કે તરત ગભરાઈ ઉઠ્યો અને દાદરા ભણી દોડ્યો.

એક સમે દસરાની અસ્વારીમાં પોતાના રાજાનો હાથી ગાંડો થયો હતો. તે મહાવત સુધાંને લઈને નાઠો હતો; તે સમે સૌના હોશ ઉડી ગયા હતા, તે વાત બધી તેને સાંભરી આવી. અને જાણ્યું કે ચૌટા વચે મોટો હાથી દોડ્યો આવે છે. તે કઈકને છુંદી નાખશે તેથી દાદાકે જઈને બુમો પાડીને, પોતાનાં માણસોને બોલાવ્યાં.

ઓ ભીમડા, અલ્યા ઓ માધિયા, રામલા તમે ક્યાં છો, અરે તમે ક્યાં છો. કોઈ છે કે નહિ? કેમ કોઈ બોલતું નથી. એવું સાંભળીને નોકર ચાકરો ગભરાઈ ગયા અને જાણ્યું કે, ઠાકોર એકલા ત્રીજે માળે બેઠા હતા, માટે ભૂતબુત વળગ્યું કે, શું થયું!! ઠાકારનું શરીર થરથર ધ્રુજતું હતું. અને આંખો ચકર વકર થઈ ગયેલી, અને ગભરાયેલા જણાતા હતા. તથા શરીરે પરશેવો બહુ વળ્યો હતો.

નોકરો—સાહેબ, સાહેબ, ખમાં, ખમાં. શું છે! શું છે?

ઠાકોર—અરે દોડો, દોડો, આપણું કોઈ માણસ નીચે ગયું હોય તો તેને ઝટ ઉપર બોલાવો. નહિ તો હમણાં સત્યાનાશ વળી જશે.

નોકર—અરે સાહેબ કહો તો ખરા શું છે? ધાડબાડ પડી છે કે શું!

ઠાકોર—અરે તમે મને પછી પુછજો, જાઓ જાઓ, કોઈ હેઠળ ગયું હોય તો તેની સંભાળ લ્યો કે તે સાજો નરવો રહ્યો છે કે નહિ. અરે બીજાનું તો ગમે તેમ થાઓ; પણ મારી માશીના દીકરા ઉમજીભાઈ અને બુમજીભાઈ ક્યાં છે; તેઓને બોલાવો.