પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તાર્કિક બોધ


ક્રૂરચંદ—મારે એની કે એના બાપની ગરજ નથી. એની મેળે ઘણોયે નીકળશે. આપણે શા વાસ્તે ખોટી થવું જોઈએ ?

સુરચંદ—ત્યારે તમારે જવું હોય તો જાઓ, પણ હું તો એને બહાર કાઢ્યા વિના આવીશ નહિ.

પછી તો ક્રૂરચંદને પણ રોકાવું પડ્યું. કારણ કે, રસ્તામાં એકલા જતાં તેને ચોર વગેરેની બીક લાગી. પછી બંને જણાયે પ્રયત્ન કરીને, પેલાને બહાર કાઢ્યો. એટલે તે બંનેનો તેણે ઉપકાર માન્યો. અને ઘણા સ્નેહથી ભેટીને બીજે રસ્તે જવું હતું ત્યાં ચાલ્યો ગયો.

સુરચંદે વધારે મહેનત કરી માટે તેના ઉપર તેણે વધારે પ્યાર જણાવ્યો, તેથી ક્રૂરચંદે જાણ્યું કે, આ માણસ સુરચંદનો ઓળખીતો છે; માટે તેણે આટલી બધી મહેનત લીધી. પછી બંને જણા રસ્તે ચાલતાં વાતો કરવા લાગ્યા.

ક્રૂરચંદ—એ માણસ તમારો ઓળખીતો જણાય છે ?

સુરચંદ—હા, ભાઈ, ઓળખીતો તો ખરો.

ક્રૂરચંદ—એ તમારા શેઠનું માણસ છે ? કે તમારા રાજાનું છે ?

સુરચંદ—અમારા રાજાનું માણસ છે.

ક્રૂરચંદ—એ કાંઈ રાજાનો વધારે માનીતો છે ?

સુરચંદ—હાજી, ઘણો વધારે માનીતો છે.

ક્રૂરચંદ—ત્યારે તો તમે તેને વાસ્તે આટલી મહેનત કરો તેમાં શી નવાઈ ? અને મેં પણ જાણ્યું હતું કે કાંઈ ગરજ વિના આટલી મેહેનત કોઈ કરે નહિ.

સુરચંદ—હા, ગરજ તો ખરી.

ક્રૂરચંદ—એનું નામ શું ?

સુરચંદ—નામ તો હું જાણતો નથી.