પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તાર્કિક બોધ


સુરચંદ—સર્વ જગતનો રાજા જે પરમેશ્વર છે, તેના રાજ્યમાં અસંખ્યાત પ્રાણીઓ છે. કે જેની ગણતી કોઈનાથીથઈ શકે નહિ. પણ તે રાજાના સઉથી વધારે માનીતાં તો માણસો છે ! તે આ દુનિયામાં આશરે એક જ અબજ છે. અને હું એ રાજાનો ઓશીઆળો છું, માટે મારે આટલી મહેનત કરવી પડી. કેમેકે આ વાત એ રાજાની અજાણી રહેવાની નથી. માટે તે મહેનતનો બદલો આપણને જરૂર મળશે. એવું સાંભળીને ક્રૂરચંદનું મન નરમ થયું. અને સમજ્યો કે કોઈ રાજાના કે શેઠના માણસને ઉગાર્યાથી તેનો ધણી ખુશી થઈને ઇનામ આપે છે. તો સર્વે મણસો ઉપર પરમેશ્વરની વધારે મેહેરબાની છે, માટે તેનો બચાવ અથવા ઉપકાર કરવાથી પરમેશ્વર તે બદલો આપ્યા વિના કેમ રહેશે ?

દોહરો

માણસ ઉપર મન થકી, કરો કૃપા ધરિ કામ;
તો થાશે ત્રિભુવન ધણી, રાજી દલપતરામ. ૧

છી ક્રૂરચંદ અને સુરચંદ આગળ ચાલ્યા; ત્યાં સુરચંદે પૂછ્યું કે ભાઈ; મેં સાંભળ્યું છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ શેને કહેવાય ? અને અનંતકોટિ બ્રહ્માંડો ક્યાં હશે ? તે મેહેરબાની કરીને મને સમજાવો.

સુરચંદ—બ્રહ્મ અને અંડ, એ બે શબ્દો મળી બ્રહ્માંડ શબ્દ થયો છે. બ્રહ્મનો મૂળ ધાતુ બૃહત. એટલે મોટું ઇંડું. અથવા બ્રહ્મ એટલે ઈશ્વર એટલો તેનો અર્થ છે અને તેનો ભાવાર્થ એ છે કે પૃથ્વી ઇંડાને આકારે છે, માટે પૃથ્વીના ગોળાનું નામ જ બ્રહ્માંડ છે. અને તેના ઉપર ચૌદલોક કલ્પેલા જણાય છે. અને રાત્રીયે આકાશમાં કરોડો તારા દેખાય છે, એ જ અનંતકોટિ બ્રહ્માંડ છે. તે વિષે એક વાત કહું તે સાંભળ.