પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાં તારૂં મત કેવું છે ? અને તું કેવી રીતે ખુશી છું. તે કાંઈ પુછી શકાયું નહિ, પણ આ સ્વપ્નથી મને એટલો ફાયદો થયો એક ધર્માભિમાનથી પર ધર્મના લોકો સાથે અદાવદ રાખવી નહિ. સઉને પોતાના ભાઇયો જેવા જાણવા. અને સઉનું ભલું ઇચ્છીને સારો બોધ આપવો એવો ઠરાવ મારા મનમાં નક્કી થયો.

એ સાંભળી ક્રૂરચંદે કહ્યું કે હવેથી હું પણ સર્વ ધર્મના, અને સર્વ જાતિના માણસો ઉપર સરખી પ્રીતિ રાખીશ.

પછી તો બંને જણા શીરોઈના પહાડમાં જઈ ચડ્યા. ત્યાં ઘણા ભીલ લોકો છેક દરીદ્ર અવસ્થામાં રહેલા જોઈને સુરચંદને દયા આવી. તેણે ક્રૂર ચંદને કહ્યું કે આ લોકો વિદ્યા ભણ્યા નથી તેતેહે આવી નબળી અવસ્થામાં રહેલા છે. માટે તેઓને સુધારીએ તો ઇશ્ચર આપણા ઉપર પ્રસન્ન થશે, માટે એક તરફના ભીલોને સુધારવા હું જાઉં, અને બીજી તરફનાને સુધારવા સારૂ તમે જાઓ. ક્રૂરચંદે કહ્યું કે આપણે તેઓના રૂડા વાસ્તે કહેશું, તે વાત તેઓ તરત માનશે એમાં કાંઈ શક નથી. એમ કહીને ક્રૂરચંદ એક તરફના ભીલોને સમજાવવા ગયો. અને મેલડી, વગેરે ભૂતને માનનારા ભીલોને કહેવા લાગ્યો કે તમારા વહેમ મુકી દઈને તમે વિદ્યા ભણો. અને તમારી મેલડીથી તમે બીતા હો તો તેનું થાનક હું ખોદી નાખું, જોઈએ તે મને શું કરી શકે છે ? એવું સાંભળીને ભીલ લોકોને બહુ રીસ ચડી અને ક્રૂચચંદને મારવા લાગ્યાં. ત્યારે ક્રૂરચંદ નાશીને સૂરચંદ પાસે આવ્યો અને બધી હકીગત કહી. સુરચંદે કહ્યું કે ભાઈ, લોકોને કેવી રીતે સુધારવ તે વિષે એક કલ્પિત દૃષ્ટાંત કહું તે સાંભળ.