પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
ઈશ્વરી ચોપડી વિષે

તેવું બની શકે જ નહિ. તો મારા જેવા બિચારા માણસ કોઈ આવી ફિકરમાં પડત નહિ.

વિચારધર—એક પુસ્તક પરમેશ્વરના જ હાથનું છે, તે હું તમને વંચાવીશ; તેથી તમારા મનને શાંતિ થશે.

વિદ્યાધર—(હશીને કહે છે) એમ તો ઘણા લોકો કહે છે કે, આ મારી પાસે પુસ્તક છે, તે પરમેશ્વરે પોતે જ રચેલું છે. પણ તેની સાબીતી કોઈ કરી આપી શકતા નથી. અને હું જોઉં છું ત્યારે માણસના હાથના અક્ષરથી તે લખેલું હોય છે; માટે મારી ખાતરી નથી.

વિચારધર—હું તો તમને ખાતરી કરી આપીશ કે, તે પુસ્તક કોઈ માણસના હાથથી લખાયેલું નથી; પરમેશ્વરે જ લખેલું છે.

વિદ્યાધર—પરમેશ્વરના દેશમાં કેવા અક્ષરો લખાતા હશે ? હિંદી, ફારશી, અંગરેજી, કે આરબી ?

વિચારધર—એ તમામ જાતના અક્ષરો પરમેશ્વરના દેશમાં ચાલે છે ખરા; પણ હું જે કહું છું તે પુસ્તક પ્રભુએ સઉથી જુદી તરેહના અક્ષરોથી લખેલું છે. અને તેનાં ટીકાઓ માણસોએ પોતપોતાની દેશી લીપીઓમાં લખેલી છે.

વિદ્યાધર—કેટલાંક પૃષ્ટનું એ પુસ્તક છે ?

વિચારધર—ચાર પૃષ્ટનું છે. અને તે આકાશમાં અધર લટકાવી રાખેલું છે. તે એવી યુક્તિથી રચેલું છે કે, એની મેળે તેનાં પૃષ્ટ ફરતાં જાય છે. કોઈને ફેરવવાં પડતાં નથી.

વિદ્યાધર—એ તો તમે મારી મશ્કરી કરો છો. કેમ કે, એવું પુસ્તક જો હોત, તો કોઈ માણસ ભ્રમણામાં પડત નહિ. અને દુનિયામાં ધર્મ પણ એક જ ચાલત.