પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
તાર્કિક બોધ


વિચારધર—હું કોઈની મશ્કરી કરતો નથી. એ પુસ્તક હું તમને દેખાડીશ. એ વાંચવા સારૂં ચમત્કારી ચશ્મા જોઈએ. અને ભણાવનાર પણ હુંશીઆર જોઈએ.

વિદ્યાધર—(હશીને કહે છે) તે કેવા રંગની રૂશનાઈથી લખેલું છે ? સોનેરી, કે રૂપેરી રંગની રૂશનાઈથી ? અને શી રીતે લખેલું છે ?

વિચારધર—તરેહ તરેહ રંગની રૂશનાઈથી લખેલું છે. માહીં વેલ બુટ્ટા કાઢેલા છે. અને હીરા માણક, પનાંથી પણ મોંઘાં જેવરથી એ પુસ્તક શણગારેલું છે. અને ગમે તેવો લહીઓ હુશીઆર હોય, પણ પરમેશ્વરના પુસ્તક જેવું પુસ્તક લખી શકનાર નથી એવું છે.

વિદ્યાધર—વિલાયતના કવિયો, મોટી મોટી ઈમારતના, ઝાડના, પશુના, પક્ષીના, અને પૃથ્વીના નકશા પુસ્તકમાં ચીત્રે છે, તેવા નકશા એ પુસ્તકમાં છે કે ?

વિચારધર—હરેક જાતના નકશા. અને ચિત્રો તેમાં છે. અને એ પુસ્તકમાં ન લખેલી હોય એવી કોઈ બાબત બીજાં પુસ્તકમાં મળનારી જ નથી.

વિદ્યાધર—કેવી રીતથી તેમાં શબ્દો લખેલા છે ? તે વિષે મને કાંઈ સમજાવો.

વિચારધર—સાંભળો. આપણી લખવાની રીતે તો તમે જાણો છો. માટે જુઓ “ત્ર”. આમ હોય ત્યાં તમે શું વાંચો છો ?

વિદ્યાધર—“ત્ર.” હોય ત્યાં આપણે ત્રવાડી વાંચીએ છૈએ.

વિચારધર—વારૂ, જેમ “ત્ર.” એ એક અક્ષરમાં તમે ત્રણ અક્ષર વાંચ્યા; તેમ પરમેશ્વરના પુસ્તકમાં એક એક અક્ષરથી હજારો, અથવા લાખો, કે અસંખ્ય અક્ષરો વંચાય છે.