પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
તાર્કિક બોધ

બાંધેલા કેટલાએક કાયદા માણસજાતને સુખકારી છે, અને તે બરાબર અમલમાં આવે, તે સારૂં લખ્યું છે કે, આ કાયદો તોડનાર પરમેશ્વરનો ગુનેહગાર થાય છે. તે વિષે એવું સમજવું કે, જેમ કોઈ માણસ એવી પ્રતિજ્ઞા લખે કે, મારા વંશ પરંપરામાં કોઈ આ કરાર તોડે તો, તે પરમેશ્વરનો ગુનેહગાર છે. એવી જ મતલબથી લખેલું છે એમ જાણવું. અને માણસ જાતમાં સંપ તુટે, ને કપાઈ મરે, એવું કરવાથી પરમેશ્વર નારાજી થાય એમાં કાંઈ સંશય પણ નથી. માટે માણસોમાં ખોટા રસ્તે ચાલ્યા હોય તો, સમજાવી સમજાવીને સારે રસ્તે ચલાવવાનો ઉપાય કરવો પણ ઘણું નુકશાન થાય, એવી રીતે એકદમ સંપ, સલાહ, તુટી જાય તેમ જુના રસ્તા તોડવા નહિ એવી ઈશ્વરની મરજી હોય, એમ ઈશ્વરી કાયદા ઉપરથી મને ભાસે છે.

તમે પરમેશ્વરનું પુસ્તક વાંચી વાંચીને જેમ જેમ વિચાર કરશો, તેમ તેમ તમને ઈશ્વરનો ઘણો મહિમા સમજાશે. અને તેને પ્રસન્ન કરવાની રીત ઈશ્વરી કાયદા ઉપરથી જ તમને માલુમ પડશે.

વિદ્યાધર—વાહ વાહ ભાઈ, હવે મારો બધો સંશય મટ્યો. આ પુસ્તક તમે મને બહુ સારૂં દેખાડ્યું. હવેથી હું એ જ વાંચીશ. ને વિચારીશ. અને પરમેશ્વરને રાજી કરવાની રીત આમાંથી જ મને જડશે. એમ કહીને ગયો. એ વાત સાંભળીને.

ક્રૂરચંદ—ત્યારે લખેલાં પુસ્તકો બધાં સાચાં માનવાં કે જૂઠાં ?

સુરચંદ—ભાઈ, જેવી જેની મરજી, તે પ્રમાણે અસંખ્ય પુસ્તકો લખેલાં છે. તેમાં કેટલાંક તો નરમેઘ યજ્ઞ કરીને માણસ મારવાથી પ્રભુ રાજી થાય, એવી મતલબનાં પણ છે. માટે વિચાર કરીને લખેલી વાત માનવી. તે વિષે વાત કહું તે સાંભળ.