પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


लखेली वात मानवा विषे. ५.


જેમ બાળકને કોઈ કહેશે કે, આપણા ગામને પાદર સિંગડાવાળા ઘોડા આવ્યા છે, તો તે બાળક બિચારો તરત સાચું માનશે. તેમ જ કોઈ પુસ્તકમાં ગમે તેમ લખ્યું હોય, તે ભોળા લોક બિચારા તરત ભરૂંસા લાવે છે. પણ આ વાત સંભવે છે, કે નથી સંભવતી, એટલો પણ વિચાર કરતા નથી. લખ્યું હોય કે -

“સોયના નાકામાં થઈને સાત હાથ ચાલ્યા ગયા. તેમાં છેલ્લા હાથીનું પુંછડું અટકી રહ્યું” એવું વાંચીને પણ વિચાર કરતા નથી, કે સોયના નાકામાંથી હાથી શી રીતે નીકળી શકે? તેમાં છેલ્લા હાથીનું પુંછડું સરીર કરતાં જાડું હશે કે શું? તે કાંઈ જોતા નથી. ફક્ત લખેલી વાત ઉપર વિશ્ચાસ રાખીને સાચે સાચી માને છે. તે વાંચનારની ભૂલ છે. એમાં લખનારનો ઝાઝો વાંક નથી, કેમ કે લખનાર કવિની મતલબ બે પ્રકારની હોય છે; એક તો લોકોને શીખામણ દેવાની, તેના પેટામાં ઇતિહાસ પણ આવે છે. અને લોકોને જુલૂમ કરતા અટકાવવા તે પણ તેમાં જ આવે છે. તેમાં કોઈ વખત જુઠ ભેળવવું પડે છે. જેમ કે કોલંબસને અમેરીકનો મારવા આવ્યા, તે સમે આકાશમાં ગ્રહણ થવાનું હતું તે વાત કોલંબસ જાણતો હતો. માટે લોકોની જુલમ અટકાવવા સારૂં તેણે કહ્યું કે તમે મને મારવા આવો છો તેથી ઈશ્વરીકોપ તમારા ઉપર થશે. અને હમણાં જગતમાં અંધારું થઈ જશે. એવામાં ગ્રહણ થવાથી અંધારૂં થયું એટલે તે લોકો સમજ્યા કે, કોલંબસે કહ્યું તે ખરૂં થયું તેથી નમી ગયા, એટલે કોલંબસે કહ્યું કે હવે હું પ્રાર્થના કરીશ તેથી ઈશ્વરનો કોપ મટી જશે અને અજવાળું થશે. પછી તે પ્રમાણે થયું. એ રીતે જુલૂમ અટકાવા સારૂં કવિયોને પણ આશાની કે ત્રાસની વાત વધારીને લખવી પડે છે.