પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


शास्त्रीओनी सभा विषे. ६.

જેમ આ વખતમાં કોઈ ગૃહસ્થ પરગામ જાય છે, ત્યારે ત્યાંની નિશાળમાં પરીક્ષા લઈને, ઈનામ વહેંચે છે. તેમ જ જુનો ચાલ એવો છે કે, કોઈ સારા ગૃહસ્થને ઘેર જ્યારે સારું ટાણું હોય, ત્યારે શાસ્ત્રીઓની સભા કરીને દક્ષિણા વહેંચે છે.

એક શાહુકારના દીકરાનાં લગ્ન થયાં. ત્યારે તેને બાપે ત્યાંના ચાલ પ્રમાણે પંડિતોની સભા ભરી હતી. તે સભામાં વેદિયા, શાસ્ત્રી, પુરાણી, જોશી અને વૈદ્ય આદિક આવ્યા હતા. તેમાં એક જોશી કાશીએ ભણી આવેલો હતો. તેનાં સ‌ઉ વખાણ કરતા હતા કે, આવો જોશી આખા દેશમાં નથી. તે નળિકાયંત્ર બાંધીને દિવસે તારા દેખાડી શકે છે.

હવે જે છોકરાનાં લગ્ન થયાં, તે છોકરો સ્કૂલનો વિદ્યાર્થી હતો; તેથી તેને હરેક વિદ્યાનો શોખ હતો; માટે તે સાંભળવા બેઠો કે, જોઈએ સભાના પંડિતો શી શી ચરચા કરે છે ?

પ્રથમ વેદિયા વેદના મંત્ર ભણવા લાગ્યા. અને બીજા કરતાં મને ઘણાં મંત્રો પુસ્તક વિના મહોંપાઠે ભણતાં આવડે છે, એવું અભિમાન તેઓ દેખાડતા હતા, જ્યારે એક જણ અજાણ્યો મંત્ર ભણવા લાગે, ત્યારે બીજા તેની સાથે ભણી શકે, તેઓના મહોં ઉપર અભિમાનનો ડોળ જણાય, અને જેને તે મંત્ર મહોપાઠે ન હોય, તે ચૂપ રહે; તેથી તેનું મહો અપમાન પામ્યાની પેઠે જાખું પડતું હતું. ભણી રહ્યા પછી દેશનો, અથવા કોઈ પરદેશનો વેદિયો, ત્યાં ન હોય, એવાંની તારીફ કરતા હતા કે, ફલાણો એક છે તે તો સાક્ષાત નારાયણ રૂપ છે, કેમકે યજુર્વેદના ચૌદે કાંડ, અથવા સામવેદના દશે ગ્રંથ તે ઊંઘમાં ભણી જાય છે.