પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
શાસ્ત્રીઓની સભા વિશે

દક્ષિણા વહેંચ. છોકરે કહ્યું કે, બ્રાહ્મણોને વિદ્યા ભણવાની હોંશ વધે. માટે આ કામ ઘણું સારૂં છે; પણ આમાં કેને વધારે જ્ઞાન છે ? અને કેને ઓછું જ્ઞાન છે ? અથવા કેનામાં વધારે કે ઓછી બુદ્ધિ છે ? તે વાત મને સમજાઈ નથી. માટે વધતી ઓછી દક્ષિણા શી રીતે વહેંચું ? અત્યાર સુધી જે તેઓએ ઠાલી નકામી માથાકુટ કરી, તેથી મને ફક્ત એટલું જ સમજાયું કે, ફલાણો મુખ્ય શાસ્ત્રી છે તે બહુ ક્રોધી છે અને ફલાણો બિચારો શાંત સ્વભાવનો છે. બીજી મને કશી વિગત પડી નથી. માટે કહો તો, એટલા જરા ગુણ કે અવગુણ ઉપર નજર રાખીને વધતી ઓછી દક્ષિણા વહેંચું. અને કહો તો થોડા પ્રશ્નો પુછીને, તેઓના જ્ઞાનની પરીક્ષા કરીને તે પ્રમાણે વહેંચું ?

શેઠ બોલ્યા કે, તારે પુછવું હોય તો પુછ. પણ ઝાઝીવાર લંબાણ કરીશ નહિ કેમકે ઘણીવાર થઈ તેઓ આવ્યા છે.

છોકરો—(વેદિયાઓને પુછે છે) મહારાજ, તમે જે મંત્ર ભણ્યા; તેમાં શી મતલબ છે ?

વેદિયા—વેદનો અર્થ થાય નહિ, અમે તો ફક્ત ભણી જાણીએ.

છોકરો—ત્યારે તેથી તમારે કે અમારે શો લાભ થવાનો ? કેમકે એથી કશું જ્ઞાન મળવાનું નહિ.

વેદિયા—ભણવાથી અને સાંભળવાથી કલ્યાણ થાય.

શાસ્ત્રી—એ તો અંગ્રેજી ભણ્યા છે. તે એવી વાત માનશે નહિ.

છોકરો—(શાસ્ત્રીને પુછે છે) "દેવનો" એ કેટલામી વિભક્તિ કહેવાય ?

શાસ્ત્રી—પ્રાકૃતમાં વિભક્તિ હોય નહિ; અમે તો સંસ્કૃત જાણીએ.

છોકરો—"देवस्य" એનો અર્થ શો ?