પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
તાર્કિક બોધ


શાસ્ત્રી—દેવ જે તેનો.

છોકરો—ત્યારે "देवः यः तस्य" એનો શો અર્થ ?

શાસ્ત્રી—એનો પણ એ જ અર્થ છે.

છોકરો—ત્યારે પ્રથમ એક જ શબ્દનો આટલો બધો લાંબો અર્થ તમે કેમ કર્યો ?

શાસ્ત્રી—પ્રાકૃતમાં એક જ શબ્દથી અર્થ થઈ શકે નહિ.

છોકરો—તમે પ્રાકૃત બોલો છો, અને તે ભણ્યા નથી, એવું કેમ કહો છો ? પ્રાકૃત જાણ્યા વિના સંસ્કૃત ભણાય જ નહિ.

શાસ્ત્રી—અમારા સમજવામાં એવું છે કે પ્રાકૃતમાં ધાતુ કે પ્રત્યય નથી.

છોકરો—(નૈયાયકને) લંકાની હવેલિયો ચંદ્રને અડકે એટલી ઉંચી હતી, અને રવણને દશ મોઢાં, ને વીશ હાથ હતા, એ વાત કિયા પ્રમાણથી સાચી માનવી ?

નૈયાયક—શાસ્ત્રમાં જે લખી હોય, તે વાત સાચી જ માનવી. એમાં સંશય કરવો નહિ.

છોકરો—ત્યારે ન્યાયશાસ્ત્ર ભણવાનું કારણ શું ?

નૈયાયક—ન્યાયશાસ્ત્રથી તર્ક કરતાં આવડે, અને હરેક વાક્યનો તર્ક કરવો. અને પછી આઠ પ્રકારનાં પ્રમાણ મળે, ત્યારે તે વાક્ય સિદ્ધ થાય.

છોકરો—ત્યારે મેં પ્રશ્ન પુછ્યો તેનો તર્ક કરવો કે નહિ ?

નૈયાયક—શાસ્ત્રની વાતનો તર્ક કરવો નહિ.

છોકરો—એવું ન્યાયના ગ્રંથમાં લખેલું છે ? કે તમારી અક્કલથી કહો છો ?