પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
તાર્કિક બોધ

આજ વેચાતાં લાવવાં પડશે.

વહુ—મોટાં મોટાં વાશણ શું કરવાં છે ? આ તો કોઈ રાબડી માગે છે; અને કોઈ રોટલો માગે છે, અને કોઈ તો ચાવી શકે એવાં નથી માટે શીરો માગે છે. વાસ્તે બધાંને કાજે જુદું જુદું રાંધવું પડશે.

વંશપાળ—અરે, આ નહાનાં છોકરાં રોઈ મરે છે, માટે પ્રથમ તેઓને ધવરાવ. પછી તું ઝટ પાણી ભરવા જા.

વહુ—આટલા બધાંને નહાવા, કે પીવા જેટલું પાણી મેં એકલીથી લવાશે નહિ. મોટે પાણી ભરનારીઓ બેત્રણ રાખવી પડશે.

વંશપાળ—આ માંદાં, અને ઘરડાં પોતાની મેળે ન્હાઈ શકે એવાં નથી; માટે આપણે બંને જણાં મળીને ન્હવરાવીશું ત્યારે થશે.

વહુ—આ ભૂખ્યાં બૂમો પાડે છે, માટે હું તો ઝટ રસોઈ કરવા માંડું. નહિ તો. મને તો ગામના લોકો ચુંટી ખાશે; અને કહેશે કે, ઘરડાં સાસુ સસરાને વહુ ખાવા પણ આપતી નથી.

વંશપાળ—મારે તો ઝટ દોકાને જવું છે. કમાઈશું નહિ, તો પછી આ બધાંને શું ખવરાવીશું ?

વહુ—થયું, તમે તો દોકાને જઈને બેસો; એટલે "ઘર મુક્યાં, ને દુઃખ વિસર્યાં" એ કહેવત જેવું તમારે તો થાય. પણ હું રસોઈ કરવા પેસું, એટલે આ છોકરાંને કોણ હીંચોળશે?

વંશપાળ—“આતો હવે આખા ભવની લાગી” જો એક દહાડાનું હોય, તો ઘર રહેવાય. પણ હમેશાંનું થયું ત્યારે રળ્યા વિના કાંઈ છૂટકો છે ?

વંશપાળનો ભાઈ—અરે, ભાઈ તું ચૌટામાં પછી જજે; હું માંદો મરૂં છું માટે કોઈ વૈદને તેડી લાવ. અને મને કાંઈ ઓષડ કર.