પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
વંશપાળ અને યમરાજ વિષે.

વંશપાળની ભાભી—તેના ભાઈને તો ઓષડ કરશે, પણ મને પારકી જણીને કોણ ઓષડ કરશે ?

વંશપાળની દીકરી—ઓ બાપા, ઓ મા, હું મરી ગઈ રે, મરી ગઈ રે, માર પગ ખેંચાઈ જાય છે, અને હાથ ખેંચાઈ જાય છે.

ભોળી—ખમા બહેન, ખમા તને. લે હું તારા હાથ પગ દાબું.

વંશપાળ—હવે એક જણને તો એ છોડીની પાસેને પાસે જ રહેવું પડશે.

ભોળી—પેલા મોટા છોકરાને બળિયા નીકળેલા છે. તેને તો લગારે વેગળો મુકાય એવું નથી. માટે હું તે તેની પાસે રહું, કે આની પાસે રહું ?

જમાઈ—મને બેઠો કરો રે, મને બેઠો કરો. મને ઉલટી થાય છે.

ભોળી—એનું ઓકેલું ઘરમાંથી કોણ વાળી નાંખશે ?

વંશપાળ—તારે જ વાળવું પડશે તો. એના સારૂં તેં કેટલી પછાડો ખાધી હતી ? અને કેટલો કલ્પાંત કર્યો હતો ? તે ભૂલી ગઈ ?

વંશપાળનો સઈયારી—અરે વંશપાળ, તમે તો ઘેરના ઘેર બાઈડીના મહો સામું જોઈને બેસી રહો છો, અને દોકાનનું કામ કાંઈ કરતા નથી. આવી રીતે તમારૂં સઇયરૂં અમારે પાલવશે નહિ. માટે ચાલો, દોકાને આવીને તમારો ભાગ વહેંચી લ્યો.

વંશપાળ—ચાલો ભાઈ, ચાલો; હું દોકાને આવું છું. (વંશપાળ દોકાને ગયો) તે દોકાનના કામમાં ગુંચાઈ રહ્યો. અને પહોર રાતે ઘેર આવીને જુએ છે તો, કોઈને ઉલટી અને કોઈને ઝાડો થયેલો. તેથી બધું ઘર ગંધાઈ ઉઠેલું દીઠું. વળી પોતાની વહુને પુછ્યું કે, મારે કાજે કાંઈ વાળુ રાંધ્યું છેકે નહિ ?