પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
વંશપાળ અને યમરાજ વિષે.


વંશપાળ—અરે, આ જે છોકરા સારૂં રોજ નદીકાંઠે જઈને તું પછાડો ખાતી હતી, તેને તો સંભાળ.

ભોળી—હવે તો એ છોકરો મરે તો, હું દેરીએ દેરીએ દીવા કરૂં; એટલી હું કાયર થઈ છું.

વંશપાળ—તું વેળા કવેળાની છોકરાને ગાળો દે છે, તેથી મને તારા ઉપર બહુ દાઝ ચડે છે.

ભોળી—હા, પોતાનાં ભાઈ, ભોજાઈ, મા, બાપ ઉપર તો કાંઈ ચાલે નહિ, પછી એ બધાંની દાઝ મારા ઉપર કાઢો.

વંશપાળ—જા, ત્યારે દીસતી રહે એટલે હું મારે જે થસે તે કરીશ.

ભોળી—ક્યાં જાઉં ? મારે તો ક્યાંઇ જવાનું ઠેકાણું નથી. હું તો તમારે "હઈએ હડી; અને કર્મે જડી."

વંશપાળ—રાંડ તું મારે કર્મે ક્યાંથી મળી?

ભોળી—આ તારાં સગાં બધાં સારાં, અને એક હુંજ ભુંડી છું. હું જાણું છું કે તમે મારો જીવ લેશો, ત્યારે છુટકો કરશો.

છોકરો—મા ખાવું છે.

ભોળી—ખા, તારા બાપનાં કાળજાં. નહિ તો મને ખા.

વંશપાળ—ઊભી રહે રાંડ લુચ્ચી, બકવા કરે છે? આ લાકડીએ લાકડીએ તારો વાંસો ભાંગી નાખીશ.

ભોળી—મેલ તારા ઘરમાં ભડકો હું તો આ ચાલી, મને કોઈ નહિ સંઘરે તો કુવો તો સંઘરશે? (એમ કહીને જાય છે)

વંશપાળ—ઉભી રહે, ઉભી રહે, ક્યાં જાય છે ? ઘેર તો આવ. તને કાંઈ નહિ કહું.

ભોળી—(ગામ બહાર કુવા તરફ ગઈ)