પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
તાર્કિક બોધ


વંશપાળ—(દોડીને તેનો હાથ ઝાલી કહે છે) આપણે હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કર્યું . આપણે બંને જણને કેવું હેત હતું. તે વિક્ષેપ પડ્યો, હવે શો ઉપાય કરવો ?

ભોળી—એ બધાંને ઘરમાંથી કાઢી નાખો. તો જ હું ઘેર આવીશ, નહિ તો આવનારી નથી.

વંશપાળ—શી રીતે કઢાય ? જો જીવતાં નેં જીવતાં ડાટી આવીએ, કે બાળી આવીએ, તો લોકોમાં મોઢું દેખાડાય નહિ.

ભોળી—યમરાજને કહો, તે લઈ જાય.

વંશપાળ—તે કાંઈ આપણો ચાકર છે કે શું? આપણા કહ્યાથી કેમ લઈ જાય ? એ તો પરમેશ્વરના હુકમથી લઈ જતો હતો.

ભોળી—ત્યારે ચાલો વરૂણ દેવને આપણે કહીએ, એટલે તે લઈ જશે. (પછી બંને જણાં નદી કાંઠે ગયાં)

વંશપાળ—ઓ વરૂણદેવ, ઓ વરૂણદેવ, બાપજી જવાબ તો દ્યો.

ભોળી—એમ તો નહિ બોલે. જ્યારે આપને પછાડો ખાઈશું, અને માથાં કુટીશું, અને ખૂબ રોઈશું, ત્યારે દયા આવશે, તો જવાબ દેશે. (પછી બંને જનાએ તેમ કરવા માંડ્યું)

વરૂણદેવ—અરે, વળી તમે મને શા વાસ્તે સંતાપો છો? હજી તમારાં માણસો બાકી રહ્યાં હોય તો ચાલો અપાવું.

વંશપાળ—મહારાજ, અમે તો કાયર કાયર થયાં, અને અમારૂં ઘર તો ગંધાઈ ઉઠ્યું છે.

વરૂણદેવ—એક જ દહાડામાં એમ શું કાયર થયાં ?

ભોળી—એક દહાડો તો અમારે સો ભવ જેવો થઈ પડ્યો.

વરૂણદેવ—હવે યમરાજ તો તમારૂં એકે માણસ કદી પણ લઈ જનાર નથી.