પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
તાર્કિક બોધ

જરૂર આ વાત તું તારા જીવમાં તું જાણી લેજે;
કહે દલપત ફળ દેખીશ કમાઈ નું;
છુપાવી છુપાવી છળકપટથી કીધું છેક,
લંપટ તે કામ લાંચ, ચોરી ને લુચ્ચાઈનું;
નથી મળ્યો નર પૂછનાર નર લોકમાં તો,
પરલોકમાં તો નથી રાજ પોપાંબાઈનું. ૧

એ વાત સુરચંદે કહી, તે સાંભળીને પેલી બાઈના મનમાંથી દિલગીરી ઘટી ગઈ. અને ક્રૂરચંદ તથા સુરચંદ આગળ ચાલ્યાં. ત્યાં એકઠેકાણે છોકરા ભમરડે રમતા હતા. તે જોઈને ક્રૂરચંદે સુરચંદને પૂછ્યું કે આ ભમરડે રમવાની રીત બાલકોએ શોધી કહાડી નહિ હોય, પણ મોટાઓએ એ રમત બાળકોને શીખવેલી હશે. ભમરડે રમતાં વખત નકામો જાય છે, તથા કોઈ સમે ભમરડો વાગ્યાથી લોહી નીકળે છે, ત્યારે શા વાસ્તે બાળકોને એવી લતે ચડાવ્યાં હશે ?

સુરચંદ—ભાઈ બાળકનું તન, અને મન કેળવવા સારૂં જુના લોકોએ ચલાવેલી કેટલીએક રીત ચાલે છે તે છેક નિરૂપયોગિ નથી; તે વિષે સાંભળ.