પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
તાર્કિક બોધ

પાણીને બદલે 'ભૂ' શિખવે છે. મા, બા, જી, તાત્યા, મામા, બાપા, કાકા ઇત્યાદિ શબ્દો શિખવે છે. એટલું શિખ્યા પછી ટુંકાં ટુંકાં વાક્યો મિઠાસ ભરેલાં તથા તેને રમૂજ થાય એવાં શિખવે છે; તે એવાં કે —

“પાગલોપા રે, પાગલોપા, મામાને ઘેર જમવા જા”

“મામો પીરસે દહિંને દૂધ, મામી પીરસે ખાટી છાશ”

“માનું ઘર કેટલે દીવા બળે એટલે.”

એ વાક્યો બોલીને પગલાં માંડતાં પણ શિખવે છે. વલી અર્થ મળતો આવે નહિ પણ મિઠાસ ભરેલાં વાક્યો બોલીને તેના તાળ પ્રમાણે બરાબર બોલતાં શિખવવા સારૂ તાળનો અક્ષર બોલતાં જ આંગળીઓનો ટકોરો મારતાં શીખવે છે; તેથી તેને હાથની ચાળવણી પણ આવડે છે. તે બોલે છે કે “ અડકણ દડકણ દહિનાં ટાંકા; દહિં દડૂ કે, પીલૂ પાકે.” “શરવણ બેઠા, દેરા પૂજે; ઉલ મૂલ, કાતળિયો ખજૂર” “સાકર કે શેલડી સિંદૂર.”

ઘણું કરીને આવી બાબતો, બાળકને રમત કરતાં શિખવે છે. પછી જ્યારે બોલતાં આવડ્યું એટલે સ્મરણશક્તિ વધારવા સારૂ ટુંકી ટુંકી કહાણીઓ શિખવે છે. તેમાં ચાંદા સૂર્યની વાત છે. તે સૌથી પહેલો પાઠ ગણાય છે. એ વાતમાં વાક્યોની ગોઠવન એવી રીતે કરી છે, કે પહેલા વાક્યનો શબ્દ બીજા વાક્યમાં, અને બીજાનો ત્રીજામાં, એ રીતે સગળાં વાક્યો સંકળાયેલા છે. કારણકે આ વાક્ય પછી કિયું વાક્ય છે, તે બાળકને સહેલી રીતે યાદમાં રહી શકે. તે વાત નીચે લખ્યા પ્રમાણે છે.:—