પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
અદબ વિષે

ઘટે છે. પુંઠ પછવાડે પણ કોઈની ટુંકારે વાત કરવાની ટેવ રાખવી નહિ. અદબ છે તે માણસનું ભૂષણ છે. અદબથી મિત્રતા વધે છે. અને સઉ લોકો તેનું સારૂં ચહાય છે. અદબની પેટીમાં સુખના બીજ ભરેલાં છે.

કદાપિ, કોઈ મોટા માણસે આપણને હલકું વચન કહ્યું, તો તે સાંખી રહેવાથી આપણું માન ઘટશે નહિ, પણ તેના સામું લડવાથી માન ઘટશે. તેમજ કોઈ હલકા માણસે આપણને અયોગ્ય વચન કહ્યું, તો પણ સાંખી રહેવાથી આપણો ક્ષમાગુણ આપણને ઘણી શોભા આપશે; અને જો તેના સામા થઈને આપણે પણ તેના જેવા હલકા બોલ બોલીએ, તો આપણે પણ તેની હારમાં હલકા ગણાઈએ. અને તેના મોઢાના વધારે હલકા બોલ સાંભળવા પડે.

જ્યારે આપણે આપણા અધિકારના કામ ઉપર હઇએ, ત્યારે તો જેવા અધિકારવાળું માણસ આપણી પાસે આવે, તેના અધિકાર પ્રમાણે તેને માન આપીએ પણ ખાનગી વખતે તો તેના અધિકાર કરતાં પણ જાસ્તી માન આપીએ. પોતાના બાળકને નહાનપણમાંથી અદબ રાખવાની ટેવ પાડીએ. કોઈ બોલાવે તો જી, કહીને હુંકારો દેતાં શિખવીએ. કોઈની વાત ટુંકારે કરે તો ઠપકો દઈએ.

તેમજ મહેતાજીઓએ નિશાળીઆઓને અદબ રાખતાં શિખવવી જોઈએ કેમકે અદબવાળા માણસને જોઈને, લોકો એવી અટકળ કરે છે કે, આ કોઈ ઉમદા માબાપનું ફરજંદ છે. અથવા કોઈની સારી સોબતથી કેળવાયેલું માણસ છે. સભામાં લાંબા પગ કરીને બેસવું નહિ. પગ ઉપર પગ ચડાવીને, કે ઢીંચણ બાંધીને બેસવું નહિ.