પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


देशी राजाओ विषे. १३.


અશલના દેશી રાજાઓ "ધનુર્વિદ્યા" એટલે યુદ્ધ કરવા વગેરેની વિદ્યા. અથવા "કવાયદ" પોતે શિખતા હતા. પોતાની અક્કલથી ઇનસાફ કરતા હતા. વિદ્વાનોની પરીક્ષા લઈ શકતા હતા. ઝાઝો પારકો ભરૂંસો રાખતા નહિ. માટે વેષ બદલીને, રાતની વખતે નગર ચરચા જોવા નીકળતા હતા. દેશમાં કે પરદેશમાં નામાંકિત વિદ્વાનો હોય, તેને તેડાવીને હમેશાં પોતાની હજુરમાં રાખવા ચહાતા હતા. અને નવાં નવાં પુસ્તકો રચાવીને વિદ્યાનો ફેલાવ કરતા હતા.

અને હાલના રાજાઓ નહાનપણમાંથી જ વિદ્યા શિખવાને બદલે હોકો, અને કસુંબો પીવા શિખે છે. અને તેઓનાં રાજ્ય કારભારિયોની, કે રાણીઓની અક્કલથી ચાલે છે. વિદ્વાનોની પરીક્ષા જાણી શકતા નથી. અને વિદ્વાનોની ગરજ પણ રાખતા નથી. કેટલાએક રામજણીઓ રાખવાનો શોખ વધારે રાખે છે. રાજાઓને કાન હોય છે, પણ સાન હોતી નથી. વળી કેદીની પેઠે ઘરમાં બેશી રહે છે. પણ દેશાંતરમાં, કે પોતાના પરગણામાં દરવર્ષે ફરવા જતા નથી. કાળા અક્ષરને કુટી મારે છે; તેથી વર્ત્તમાનપત્રો, કે ચોપાનીઆં વાંચી શકતા નથી. રાત અને દહાડો ઉંઘમાં ગુમાવે છે.

હવે સાહેબ લોકોની ઉસકેરણથી કેટલાએક રાજકુંવરો ગુજરાતી તથા અંગરેજીનો અભ્યાસ કરે છે. જો તે અભ્યાસ છોડી દેશે નહિ, તો આશા છે કે કોઈ સમે આપણા દેશનો દહાડો વળશે. અને કેટલેક ઠેકાણે કારભારીઓ વિદ્યાના શોખવાળા છે, તેમની સલાહથી ત્યાં વિદ્યાનો વધારો, અને સુધારો થાય છે.