પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
દેશી રજાઓ વિષે.


૪.વિલાયતમાં કિયાં કિતાબખાનાં પ્રખ્યાત છે ?

૫. ત્યાં કિયા કિયા નામાંકિત પુરૂષો થઈ ગયા ? તથા હાલ છે.

એવી એવી વાતો પુછવી. અને તેનો જવાબ આપે તે લખી રાખવો. સાહેબલોક ઘણું કરીને હિંદુસ્તાની ભાષા બોલે છે; પછી કેટલાએક રાજાઓને તે ભાષા બોલતાં આવડતી નથી, ત્યારે તે સાથે વાતચીત કરી શકતા નથી. માટે સર્વે રાજાઓએ એવો ઠરાવ રાખવો જોઈએ, કે જેટલા મુસલમાન પોતાના નોકરો હોય તેઓની સાથે હમેશાં મુસલમાની ભાષામાં જ બોલવું. અને ગુજરાતી નોકરો સાથે ગુજરાતીમાં બોલવું, તો તે બંને ભાષાઓ બોલવાનો મહાવરો રહેશે. વળી બની શકે તો એ જ રીતે મરાઠી ભાષાનો પણ મહાવરો રાખવો. કેટલાક કારભારિયો એવું સમજે છે, કે રાજાને સારાં માણસની મુલાકાતની વખતે બોલવા ન દેતાં વચમાં પોતે જ વાતચીત કરે, તો પોતાની હુશિયારી ગણાય. પણ એમ કરવાથી રાજાનું અજ્ઞાનપણું જણાય છે અને એ અજ્ઞાનીને કારભારી ઠગી ખાતા હશે. એવું અનુમાન થાય છે. માટે રાજાને બોલતાં ચાલતાં શિખવીને, જે કારભારી રાજાને ટેકો આપે, તો તે રાજા સમજુ ગણાય. ને કારભારી ઉપર કશો વહેમ આવે નહિ. માટે રાજાની હુશિયારી જણાયાથી કારભારીની આબરૂ વધે છે એમ જાણવું.

રાજાઓએ વર્ત્તમાનપત્રો, તથા ચોપાનિયાં વાંચવાં, પોતાના પરગણામાં દર સાલ ફરવા નીકળવું, અને સગળાખાતાનાં દફતરો તપાસવાં.

ક્રૂરચંદ—એ વાત તમે ઘણી સારી કહી. હવે એક બીજી રસિક વાત મેહેરબાની કરીને મને સંભળાવો.

સુરચંદ—રૂધિરના પ્રવાહ વિષે એક રસિક વાત કહું તે સાંભળ.