પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
તાર્કિક બોધ


મહેતાજી—શાસ્ત્રમાં લખ્યું છે કે હરેક માણસને બબે આંખ્યો છે. પણ વિદ્વાનને ચાર આંખો છે. માટે બીજા લોકો દેખી શકે નહીં, એટલું વિદ્વાન દેખે, તેમજ હરેક માણસને બબે કાન હોય પણ વિદ્વાનોને ચાર કાન હોય છે. માટે વગર ભણેલા સાંભળે નહિ, તે ભણેલા સાંભળે છે.

સોરઠો.

બે લોચન બે કાન, સર્વેને સંસારમાં;
ધરેદ્વિગુણ વિદ્વાન, જ્ઞાનીને, લોચન ઘણાં. ૭


માનિટર—વિદ્યાભ્યાસ તો આપની પાસે મેં કર્યો છે, પણ મારે તો ચાર કાન થયા નથી.

મહેતાજી—હજી તમારો અભ્યાસ કાચો છે; જેમ જેમ પાકો અભ્યાસ થશે, તેમ તમારે કાનનો અને આંખનો વધારો થશે.

માનિટર—ફક્ત પક્કા વિદ્યાભ્યાસ વાળા જ તે ઘુઘવાટ સાંભળતા હશે ? કે બીજા કોઈના સાંભળવામાં આવતો હશે ?

મહેતાજી—જેને વિદ્વાન સંભળાવે તેનાથી સંભળાય છે.

માનિટર—વિદ્વાન સંભળાવે તો જ સંભળાય, ત્યારે શું તેમાં કાંઈ રસાયન ક્રિયા કરવી પડે છે કે શી રીતે ?

મહેતાજી—રસાયન ક્રિયા તો કાંઈ કરવી પડતી નથી, પણ લગાર ઈશારત કરવી પડે છે.

માનિટર—એ ઘુઘવાટ ખરેખરો પાણીનો પ્રવાહ છે ?

મહેતાજી—પાણીના પ્રવાહનો નથી. લોહીના પ્રવાહનો ઘુઘવાટ છે.