પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯
મોટી ઘોડાગાડીએ વિષે.

બોલાવો. પછી માસ્તરે તે વર્ગને બોલાવ્યો; તેમાં દશ વિદ્યાર્થીઓ હતા. માસ્તરે કહ્યું કે, આ વર્ગમાં થોડોક અંગરેજી અભ્યાસ પણ ચાલે છે, વળી બીજા વર્ગના ૧૦ ને બોલાવીને બીજી હારમાં બેસારીને કહ્યું કે, ગુજરાતી અભ્યાસમાં આ વર્ગ ઉત્તમ છે. શેઠે માસ્તરની આંકણી હતી તે હાથમાં લીધી અને પહેલા વર્ગનાને પૂછ્યું કે, બુદ્ધિપ્રકાશનાં ૨૦૦ પૃષ્ઠ ભરાય એવો આંકણી વિશે એક નિબંધ રચવા વાસ્તે રૂ. ૫૦૦નું ઈનામ ઠરાવીને છ મહિનાની મુદ્દત કરીએ અને જેનો નિબંધ સઉથી સરસ જણાય તેને ઇનામ મળે. એવો ઠરાવ કરીએ, તો તમારા વર્ગમાંથી એ નિબંધ રચવાની કબુલાત આપી શકે એવા કોણ કોણ છે?

ત્યારે દશે જણાએ કહ્યું કે, આંકણી વિષે ઘણું તો બે કે ત્રણ પૃષ્ઠ લખી શકાય પણ ૨૦૦ પૃષ્ઠ ભરી શકાય નહિ.

શેઠ : જ્યારે તમારી એટલી હિમત નથી. ત્યારે હજી તમારી તર્કશક્તિ સારી પેઠે ઉઘડી નથી એવું જણાય છે.

પછી ગુજરાતી વર્ગમાં પ્રભુરામ નામે એક વિદ્યાર્થી તર્કશક્તિવાળો હતો, તેની મરજી થઈ કે એ નિબંધ રચવાની હું કબુલાત આપું. પણ વળી તેણે વિચાર્યું કે, અંગરેજી વર્ગનાને પુછે છે, તેની વચે મારે બોલી ઉઠવું યોગ્ય નહિ. મારા વર્ગમાં પુછશે ત્યારે હું બોલીશ.

શેઠે જાણ્યું કે, સઉથી વધારે અભ્યાસવાળા આ ૧૦ જણા છે તો પછી બીજાઓને પુછવાની જરૂર નથી. એવું ધારીને ફરીથી પુછ્યું; કે બે માળની ઘોડાગાડી મુંબઈમાં તમે દીઠી હશે અને જો દીઠી ન હોય તો આ ચિત્ર જુઓ.