પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
તાર્કિક બોધ


સઉએ કહ્યું કે, તે અમે દીઠી છે. ત્યારે શેઠે કહ્યું કે, આજ છ કલાક સુધીમાં બુદ્ધિ પ્રકાશનાં પાંચ પૃષ્ઠ ભરાય એવડો નિબંધ એ ગાડી વિષે કોણ કોણ રચી આપશે?

સઉએ કહ્યું કે કાલની મુદ્દત રાખો. તો અમે તપાસ કરીએ કે ગાડીઓ કેઈ કંપનીએ કરી છે. કિયે દહાડે પહેલ વહેલી ચાલી. દરએક ગાડીનું કેટલું ખર્ચ થયું. દરરોજ કેટલું ખર્ચ અને કેટલી પેદાશ છે. ઈત્યાદિ પુછીને, પાંચ કે છ પૃષ્ઠનો નિબંધ દરએક જણ રચી આપીએ.

શેઠ—પુછીને કે બીજી ચોપડીઓમાંથી તરજુમો કરીને લખો, તે તમારી તર્કશક્તિ કહેવાય નહિ. અને અમારે તો તમારી તર્કશક્તિની પરીક્ષા કરવી છે. માટે તમારા મનમાં નવા તર્ક ઉપજાવીને રમુજી નિબંધ લખો. પછી સઉએ કહ્યું કે, અમે તો એ વિષે એટલાં પૃષ્ટ ભરી શકીએ નહિ.

શેઠ—તે ગાડી વિષે લખી ન શકો તો, આંકણી, મેજ, શિલેટ, કે પેન, એ ચાર માંહીથી ગમે તે એક વસ્તુ ઉપર આજ છ કલાકમાં લખી શકો તેટલાં પૃષ્ઠ લખો. સઉથી સરસ નિબંધ હશે, તેના દર પૃષ્ઠના ત્રણ રૂપૈયા પ્રમાણે હું ઈનામ આપીશ. એમ કહીને અંગરેજી તથા ગુજરાતી એ બંને વર્ગના વિદ્યાર્થીઓને કોરા કાગળો આપીને વેગળે વેગળે લખવા બેસાર્યા.

સાંજના ૪ વાગતાં બધા નિબંધો તપાશા, તેમાં સઉથી સરસ પેલા પ્રભુરામનો લખેલો નિબંધ હતો; તે આ નીચે લખીએ છૈએ.