પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪
તરલા અથવા ઉર્મિનો આવેગ.


સાથે તું જજે આપણે રાતરે મળીશું. ચંદાભાબીને લીધે જ હું અહીં આવ્યો છું, અને ઈચ્છું છું કે મને વ્હેમ આણવાનું તું કોઈ કારણ નહી આપે.’

'સુમન ! ચાહ પીશો ? લાવો હું કરી આપું!'

'ના, ના. ત્હેં લુગડાં પહેર્યો છે ને ક્યાં કરવા જઈશ ? નોકરને કહે ને !'

'ના. આજ તે હું જાતે જ કરી લાવીશ. ચાહ આપી મ્હારા પ્રિય સુમનનો ચાહ લઇશ.”

તરતા-તરલ તરલા–નીચે ગઈ. સ્ટોવ સળગાવી ચાહ કરી લાવી અને સુમનને પાયો. સુમન આજ પોતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યો, અને નિરાશ થયેલા સંસારમાં ફરીને રસ પડવા લાગ્યો. એટલામાં શણગારભાભીની ગાડી આવી અને 'તરલા !' ની બુમ પડી. સુમન આવ્યો છે, તરલા અને સુમન સાથે છે એ ખબર પડતાં જ શણગારભાભી ચમક્યાં. પોતાની યુક્તિમાં વિઘ્ન આવ્યું લાગ્યું અને એકદમ ગાડીમાંથી ઉતરી ઉપર ગયાં. તરલા અને સુમન નીચે ઉતરવાની તૈયારી કરતાં હતાં ત્યાં શણગારભાભી આવતાં જ બોલ્યાં:

'તરલા ! સુમનલાલ! ક્યારના આવ્યા છો ? તરલા, ચાલને વાર થશે! ભૂજંગલાલનો ઘોડો કદાચ પહેલો દોડે ને એ આપણને નહિ જુએ તો ચિન્તા કરશે!'

'જઈએ છીએ. હજી બહુ વખત છે.'

સુમનલાલે શણગારભાભી માટે બહુ સાંભળ્યું હતું એટલે શણગાભાભીનું મ્હોં ગમતું નહિ. આવાં શણગારભાભી સાથે તરલા હરે ફરે તો કેવો પાસ બેસે એ વિચારે દિલગીર થયો. મૂળ તો શંકા હતી જ. એ શંકાસત્ય વાતથી ત્રાસી બહારગામ ગયો હતે. ચંદાના આગ્રહથી તાલ જોવા આવ્યો હતો. તરલાને મળ્યા પછી-ત્હેની સાથે વાત થયા પછી–શાન્તિ મળી હતી તે શાન્તિ ભૂજંગલાલના નામ સાથે નષ્ટ થઈ. વ્હેમનો સૂતેલો કીડો ફરીને ખદબદવા લાગ્યો. ભૂજંગલાલ!