પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

હતી. એ જાળમાં ફસાઈ હતી–ફસાવાની તૈયારીમાં હતી ત્યાં ચંદાભાભી આવી પહોંચ્યાં. ભૂજંગલાલને અંદરથી હજી તરલા ઓળખી શકી નહોતી. જે કુટુંબોમાં, જે જ્ઞાતિમાં વડિલોની સલાહ-દેખરેખ શિવાય યુવાન કન્યા કે યુવાન પુરૂષને લગ્નના હેતુથી ભેળવવાનો --મળવા દેવાનો રીવાજ છે ત્યાં બહારના આકર્ષણથી અંદરના દોષો જણાતા નથી; અને યુવાવસ્થા જ એવી છે કે એક વખત આકર્ષણ થયા પછી અંગતમાં અંગત મનુષ્ય પણ દોષ દર્શાવે તો તે લાગતા નથી. તરલા આમ ભૂજંગલાલના દોષો જોઈ શકી નહોતી. પણ તરલા સામાન્ય કન્યા નહોતી. સુમનલાલ સાથે એણે સારાં સારાં પુસ્તકો વાંચ્યાં હતાં. હિંદુ સંસાર તેમ જ બીજા પ્રશ્નોની ચર્ચા કરી હતી એટલે એકદમ ફસાય એમ નહોતી. પરતું સુખની તુલના કરવા દુઃખની જરૂર છે, સોનું પારખવા કસોટીની જરૂર છે, તેમ સુમનલાલ પ્રત્યે ત્હેનો પ્રેમ જાગૃત થવા, સુમનલાલના પ્રેમની ઉત્તમતા જણાય એટલા માટે આ પ્રસંગની જરૂર હતી. તરલાના હૃદયમાંથી આમ ભૂજંગલાલની છબી નષ્ટ થઈ હતી છતાં શરતમાં એ પડ્યો, એને વાગ્યું, કદાચ મરી ગયો હશે, એ વિચારે એની કોમળ લાગણી દુઃખાઈ હતી અને એની ખબર કાઢવા, મરતાને આશ્વાસન આપવા ઉત્સુક થઈ. આમાં સુમનલાલની આડખીલી આવી. “હું પવિત્ર છું, મ્હારા મનમાંથી ભૂજંગલાલને કાઢી નાખ્યા છે, મ્હેં મ્હારે હાથે એમને પ્રેમથી ચાહ કરી આપ્યો છે, ચંદાભાભીને વચન આપ્યું છે, હું એમને મ્હારા હૃદયના ને શરીરના સ્વામી માનું છું તો પછી મ્હને શા માટે અટકાવતા હશે! લોકનિન્દાથી શા માટે ડરતા હશે ! આ વિચારથી જ તરલા હેરાન થતી હતી. ત્યાં 'હું નહી કાં એ નહીં' એનો અર્થ સુમનલાલનો આપઘાત કે ભૂજંગલાલનું ખૂન સમજી હતી. "બસ એ જ. મ્હારે માટે ખૂન નહી થવા દઉં. શણગારભાભી મારફત ભૂજંગલાલને ચીઠી લખું. ભૂજંગલાલને ! પરપુરૂષને ચીઠી લખાય ? શા માટે નહી ? સ્ત્રીસમાજના સેક્રેટરી તરીકે ઘણ પુરૂષોને કાગળ