પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭
ભૂજંગલાલને ત્યાં.


નહોતી, સોસાયટીમાં હરતી ફરતી હતી. પુરૂષ સાથે વાતચિત કરવામાં ગભરાતી નહી એ વાત ખરી, પરંતુ તેની સાથે તે મર્યાદાનું ઉલ્લંઘન કદી કરતી નહી. એક યુરોપીઅન કે પારસી બાનુ એકલી મુસાફરી કરી શકે, બજારમાં હરીફરી શકે પણ એનું કાઈ નામ ન લે, અને એક હિંદુ યુવતી સહેજ પણ એકલી ન જઈ શકે. એનું કારણ એટલું જ કે હિંદુ સ્ત્રીમાં બાલ્યાવસ્થાથી આત્મશ્રદ્ધા-હિંમત રહેવા દેવામાં જ આવતી નથી. ગામડાંની એક કન્યા કે સ્ત્રીનું કોઈ નામ લે તો તે સ્ત્રીને સામે તમાચો મારતાં જરાયે ડર લાગતો નથી. આથી ઉલટું કેળવાયેલી હિંદુ સ્ત્રી માણસ વગર બહાર પગલું ભરી શકતી નથી. વીણા આ સમજતી થઈ હતી અને માબાપની મદદથી હિમતવાળી બની હતી. વીણા નીડર હતી, શરમાળ નહોતી, હસતી બોલતી હતી એ વાત ખરી, પરંતુ એનો લાભ લઈ કોઈ એની સાથે છૂટ લેવા આવતું, અગર 'કેમ, બહેન !' કહી ડાહી ડાહી વાત કરવા આવતું તો વીણાના તલૈયાં એવાં ચડતાં કે કોઈ તેની સાથે બીજીવાર વાત કરવા જવાની હિંમત કરતું નહી. વિણા એવો તો છણકો કરતી કે કેટલાક ત્હેને અભિમાની-મીજાજી લેખતા. પણ વિણાને ત્હેની જરાયે દરકાર નહોતી. વીણમાં માણસ પારખવાની અદ્દભુત શક્તિ હતી અને એને લીધે રૂચિકર [૧] માણસો સાથે એ આનંદથી હસતી બોલતી. વીણાએ ભૂજંગલાલ અને લીલા, ભૂજંગલાલ અને તરલા વિશે સાંભળ્યું હતું અને એના સ્ત્રી જાતીના માનને લાગી આવ્યું હતું. 'એ તો લીલા-તરલા એવી કે આટલી છૂટ આપ્યા પછી આમ થવા દે ! હજારવાર ગરજ હોય તો પરણે. હા! અમે પુરૂષને ચાહવા બંધાયેલાં પણ એ અમને ચહાય તો જ. અમે કાંઈ રમકડાં નથી કે એક નાંખી દઈને બીજું લે. અમે કાંઈ શરત કરવા માગતાં નથી; સમાન હકની બૂમ પાડતાં નથી. અંતર [૨] મળે પછી એક


  1. ૧. ગમતા.
  2. ૨. દીલ.