પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


આવશ્યકતા [૧] હું સ્વીકારું છું. લીલાની વાત જુદી હતી. હું મુંબાઈનો તે વખત બીનઅનુભવી હતો અને લીલા અરવિન્દને પરણવાની હતી. એ બે મળ્યાં હતાં. અરવિન્દ લીલાને ચાહતો હતો. એ બધી ખબર પડ્યા પછી લીલાને મારી કરવી એ મને ઠીક ન લાગ્યું ને મ્હેં વાત છોડી.'

'પણ એજ પ્રમાણે તમે કોઈને ઠીક ન લાગે ને તમે ત્હેને ચાહતા હો ને એ તમને છોડે તે તમને કેવું લાગે ?'

'હા-પણ.....હું ત્હેને ચાહતો હોઉં ને એ મ્હને ન ચાહે એ ન જ બને.'

'તરલાને તમે ચાહતા હતા-તરલા તમને ચાહવા શીખી હતી છતાં તરલાએ ના કહી ને ?'

ભૂજંગલાલ મહાત થયો. તરલાએ શા માટે ના કહી એ પોતે ને તરલા જ જાણતાં હતાં, અને એ કહેવાની એની હીમત નહોતી. લગ્ન વગર જ તરલા સાથે રહેવા માગતો હતો એ કહે તો પોતાની હીણપસ્તી થાય અને વીણા મેળવવાનો રસ્તા હમેશને માટે બંધ થાય-આબરૂ બેઆબરૂ થાય એટલે બોલ્યો -

'તરલા ! હા કઈ એવું હતું, પણ એમાં સુમનલાલ જોડે પરણી સુખી નહી થાય એમ એને લાગ્યું હતું. એણે ના કહી એમ નહી પણ મેં જ ના કહી. આપણામાં સબળ કારણે શિવાય સગાઈ તૂટતી નથી અને મારે ખાતર સુમનલાલ જેવા ભલા માણસનો સંસાર ધૂળ મેળવું એ ઠીક નહી એમ મને લાગ્યું.'

વીણાએ શણગારભાભી મારફત તરલાની બધી હકીકત સાંભળી હતી એટલે ભૂજંગલાલનો જવાબ એને જરાયે રૂચ્યો નહી. પરદુઃખભજન વિક્રમ રાજા ! સુમનલાલ ખાતર તરલાને છોડી. એવું હતું તો તરલાની પાછળ આટલું ભમ્યા જ શું કામ! બીચારીને લોકોમાં ફટફટ કરાવી. લોકો પણ એવા છે કે જ્યાં કોઈની આબરૂની-ચાલની


  1. ૧. જરૂરીઆત.