પૃષ્ઠ:Tarlaa.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૩
મંડળ મળ્યું.


‘હું ધારું છું કે એને શરીરે સારું છે.'

'ધારું છું એમ કેમ બોલ્યા ? સુમનલાલ! તરલાને હું લીલા કરતાં પણ વધારે ચાહું છું. આજનું મ્હારું સુખ તરલાને લીધે જ છે. હજી તરલા ઉપરથી વ્હેમ ગયો નથી ? તરલાનો વાંક હતો -હશે પણ વાત બગડી નથી. તરલાની સાથે વર્તતાં આવડવું જોઈએ. કેટલીકવાર ધિક્કારવાથી–ત્યાગવાથી અનેક માણસોનો પાત[૧] થાય છે, આથી ઉલટાં ક્ષમાથી, લાગણીથી પડતાંને બચાવી શકાય છે. તરલા સાથે જરા ક્ષમાથી વર્તો, એને પ્રેમથી અમુક રસ્તે જતાં અટકાવો. ને તે ત્હમારી થશે, જગતમાં નમુનેદાર સ્ત્રી થશે. મ્હારા અહીં આવ્યા પછી શું થયું તે તો કહો.'

'ચંદા બહેન ! મ્હને તમારે માટે માન છે એટલે બહુ બોલી શકતો નથી. તમને વસન્તલાલે બધું કહ્યું હશે જ કેમ ના કહ્યા છતાં શણગારભાભીને ત્યાં એ ગઈ, ત્યાં ઘુજંગને મળી, મ્હેં ખાસ બોલાવી ત્યારે ના આવી ને ચાલી ગઈ. હું નહીં કે એ નહીં એમ મ્હેં કહ્યું હતું છતાં મને ગણકાર્યો પણ નહીં. આથી વધારે શી સાબીતી ? આપણી ન્યાત જ ખરાબ છે. સગાઈ તોડાય નહી, આમ સાબીતી છતાં ન તોય ? હું આપઘાત કરવાનો હતો ત્યાં કીકી નડી ને મારી બધી યુક્તિ ભાંગી ગઈ. ગમે તેમ થાય તો પણ હવે તરલા નહી. તમને દેવી લાગતી હશે, મ્હારે મનથી તે રાક્ષસી છે.'

એટલામાં હોલમાં કોઈ દાખલ થયું એટલે વાત અટકી. ચંદા ઉશ્કેરાઈ ગઈ હતી. તરલા નાહકની ગુન્હેગાર ગણાઈ હતી અને એના ઉપરથી તહોમત દૂર કરાવી તરલાનું જીવન સુખમય કરી આપવું એજ ઉદ્દેશથી સુમનલાલને પોતાના ઓરડામાં લઈ ગઈ. બન્ને સામસામાં બેઠાં ને ચંદા બોલી:

'સુમનલાલ ! હું જરાયે ભૂલતી નથી. તમે પૂરેપૂરી તપાસ જ કરી નથી !'


  1. ૧. નાશ.