પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

બ્હેનનો વિશ્વાસ છે. ભાભી, હવે મ્હારે પરણવું નથી. માત્ર મરતાં પહેલાં સુમનનાં દર્શન કરવાં છે. એ પ્રેમમૂર્તિ, પવિત્ર મૂર્તિને પગે પડી ક્ષમા માગવી છે. હાય હાય ! મ્હેં એ વિશ્વાસુ, પ્રેમાળ, કોમળ હૃદયમાં છરી ભોંકી છે. એમનું શાંત જીવન ધૂળ મેળવ્યું છે. ભાભી: મને નહીં બતાવો એ ક્યાં છે તે ?”

'બહેન ! શાંત પડો. તમે મ્હારા નિરસ જીવનમાં રસ આણ્યો છે, તમે મને દુઃખસાગરમાંથી સુખસાગરમાં આણી છે, તો પછી તમારે માટે હું શું નહીં કરું ? તમારા ભાઈ આજ એજ તજવીજમાં છે. અરવિન્દ ગામમાં છે. કદાચ અરવિન્દને ત્યાં હોય કે હોટલમાં હોય. એ તજવીજ કયા વિના નહી રહે. હમણાં આવશે. તમે થાક ખાઓ, જમી લો.'

'ભાભી, થાક ખાવો કે જમવું કાંઈ નથી. હું જે કામે આવી છું તે નહી થાય ત્યાં સુધી મને કાંઈ નહી સૂઝે.'

'જુઓ આ તમારા ભાઈ આવ્યા...કેમ એકલા ? સુમનલાલ ક્યાં ?

‘તરલા ! તું ગભરાઇશ નહિ હોં. સાંજસોરા આવશે. ચંદા! અરવિન્દને ત્યાંએ નથી હોટલમાંથી નિકળી ગયા છે. ક્યાં ગયા હશે ? સ્ટેશન ઉપર તો પોલીસને કહી મૂક્યું છે એટલે એ બાજુ જાય તો ખબર પડ્યા વિના રહે જ નહિ.'

વસન્તલાલનો એક એક શબ્દ ગરીબ બિચારી તરલાના હૃદયમાં ઉંડા ઘા મારતો હતો. તરલાના ભયમાં વધારો થયો. અત્યારે જ સુમનલાલને હમેશને માટે ખોઈ બેઠી હોય એમ એને લાગ્યું. ચંદા અને તરલા રોવા લાગ્યાં. વસન્તલાલ બન્નેને આશ્વાસન [૧] આપતો હતો પણ મનમાં સમજતો હતો. એણે આખા મુંબાઈમાં તપાસ કરાવી હતી. પોલીસના–કસ્ટમ્સના નોકરો નીકળી પડ્યા હતા પરંતુ સુમનલાલનો પત્તો ન મળ્યો. સંધ્યાકાળ પડી. સુરત તાર કર્યો. પણ સુરતથી જવાબ આવ્યો કે સુમનલાલ ત્યાં નથી. વસન્તલાલ ઑફીસમાં ગયો પણ તે નામનો જ. એનો જીવ સુમનલાલમાં અને તરલામાં


  1. ૧. ધીરજ, દિલાસો.