પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


પગલાં સાંભળતાં જ ચંદા બહાર આવી અને વસન્તલાલના સામું પણ ન જોતાં, સુમનલાલને જોઈ ક્ષણવાર હૃદય ઉછળ્યું ને તેને હાથ પકડી અંદર લઈ જતાં બોલી, 'હાશ ! હવે નિરાંત થઈ. દિવસ ને રાત, હર મીનીટ તમારૂં જ ચિંંતવન કરે છે.'

'બરફ લાવો.' ડાકટરની બૂમ અંદરથી આવી.

અરવિન્દ બિચારો સફાળો ઉઠ્યો અને બહાર બરફ લેવા આવ્યો અને સુમનને જોતાં જ બાળકની માફક રોતાં બોલ્યો, 'સુમન ! સુમન ! બિચારી જાય છે! ડાક્ટરે આશા મૂકી છે.'

સુમનલાલે અરવિન્દને જોતાં જ, અરવિન્દને રોતો જોઈ તરલાનો ઢોંગ છે એ વિચાર કાઢી નાંખ્યો. સુમનલાલ કોઈનાં આંસુ જોઈ શકતો જ નહી. તરલા મરવા પડી છે એથી જુના પ્રેમનો ઝરો પૂર જોશથી વહેવા લાગ્યો ને તરલાને મળવા, એને બળતા હૃદયને શાન્ત કરવા, એને ક્ષમા આપવા, એની ક્ષમા માગવા, એને પ્રેમથી નિહાળવા તલપાપડ થઈ ગયો, અને એમને એમ તરલાના ઓરડા તરફ દોડ્યો.

ઓરડામાંથી તરલાના હુંકારા, તરલાના બોલવાનો અવાજ આવતો હતો. તરલાને માથે ગરમી ચ્હડી ગઈ હતી. આખું શરીર ભઠ્ઠીમાં હોય તેમ તપતું હતું. માથા ઉપર બરફના ગચ્છાં ને ગચ્છાં ઘસાતાં હતાં. તાવમાં, સન્નિપાતને લીધે આમથી તેમ આળોટતી હતી. જોમમાં ને જોમમમાં ઉભી થતી હતી. ઘડિકમાં માથાના વાળ તો ઘડીકમાં પથારીની ચાદર હાથ વડે ખેંચતી હતી. કુદરતી રીતે સ્વરૂપવાન ને ગોરી તારલાનું મ્હોં આજ અતિશય તાવથી લાલ સુરમ થયું અને બે મીનીટમાં મગજ ફાટી જશે એમ બધાને બ્હીક લાગતી હતી. આખો ચકળવીકળ ફરતી હતી અને જીભે સુમનના નામને લવારો કરતી હતી. સુમન અંદર દાખલ થયો. જાણે સુમનની [૧] સુગંધ આવી હોય


  1. ૩. ફુલ.