પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૫
ગામ તરફ.


લીલા આમતેમ ફરવા લાગી. લીલાનું જીવન મુંબઈમાં જ ગયું હતું. મુંબાઈની રીત પ્રમાણે જ્ઞાતિભોજન વાડીમાં થતાં જોયાં હતાં, પણ આવી જમણ પાર્ટી જન્મમાં તેણે જોઈ નહતી. ગામડાના સાદા લોકો હોંશથી એક નોતરે વિના સંકોચે આવ્યા હતા અને પૃથ્વી માતાની સપાટી ઉપર સ્વચ્છ જમીન ઉપર બેશી સૃષ્ટિસૌંદર્ય [૧] વચ્ચે નિરાંતે જમતા હતા. આ જોતાં લીલાને મુંબઈની પાર્ટી સાંભરી. ન્યાતને બદલે પાર્ટી–'એટહોમ' માં તે હજારવાર ગઈ હતી. કાર્ડ મોકલી સભ્ય ગૃહસ્થોને બોલાવવામાં આવતા. આવનાર માન સમજતા અને સામાન્ય વાત કરતાં પોતપોતાનાં ટોળાં બાંધી ફરતાં મોટા માણસ આવતાં ચુપચાપ થતા. હોલમાં, બાગમાં કે અગાશીમાં સફેદ ચાદરવાળા મેજ ઉપર સુશોભીત રીતે સજાવેલી ડીશમાંથી મુખ્ય ગણાતા માણસો વસ્તુ ઉપાડ્યા પછી જ ઉપાડાય અને એ બંધ કરે એટલે બંધ કરાય એમ જોનારી લીલાને આ જમણ જોઈ કાંક આનંદ અને આશ્ચર્ય થયું. કોઈપણ તરેહના સંકોચ વિના, જરા પણ બગાડ વિના, ડીશોમાં રાખી બબરચી–બોય કે કોન્ટ્રાકટરનો ઉપયોગ કર્યા વિના, આ લોકો પાર્ટીનું ખરું સુખ લેતા હતા. સર્વત્ર આનંદૌત્સાહ ઉભરાતો હતો. લીલાને એમ લાગ્યું કે આવા જમણવારો ફરજીયાત ન હોય, સ્થિતિ અને અનુકુળતા પ્રમાણે થતા હોય, તો પાર્ટી કરતાં આમાં ઓછો આનંદ નથી. કેટલીવાર પાર્ટીઓ કરવી પડે છે, એમાં પણ નાતવરા કરતાં વધારે ખરચ થાય છે તેમ છતાં બગાડ ઓછો થતો નથી.

જમણ પૂરું થયું અને પટેલીયાઓના હોકા સળગ્યા. નવા શેઠશેઠાણીના સ્વભાવની, એમના સુખની વાતો થવા માંડી. અરવિન્દ પટેલીઆઓ પાસે જઈ એમનાં સુખદુઃખની, ખેતીની વાત કરવા લાગ્યો. આમ વખત વીતી ગયો, અને અલાઉદીનના દીવાની માફક જંગલમાંથી મંગળ અને મંગળમાંથી જંગલ થયું હોય તેમ, મુંબઈવાસી લીલા પોતાના ગામડાના નાના ઘરમાં પોતાના વ્હાલા પતિની સાથે જ ગામડાના સુખ–શાંતિનો અનુભવ લેતી ગાઢ નિદ્રામાં પડી.


  1. ૧. કુદરતી શોભા વચ્ચે.