પૃષ્ઠ:Tarlaa.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


ઝાંપા આગળ ભીડ હતી અને મજુરો સામાન બહાર લઈ જતા હતા, એટલે બધા પ્લૅટફૉર્મ ઉપર જ ઉભા રહ્યા. ગાડી ઉપડી, પણ બીજી જ પળે બુમાબુમ થઈ રહી. લાલ વાવટા હાલવા લાગ્યા. સ્ટેશનના સત્તાધારીઓ દોડાદોડી કરી રહ્યા, અને લોકોમાં ગભરાટ ફેલાયો. કાંઈક અકસ્માત થયો હોય એમ લાગ્યું. શું થયું ? કોણ પડ્યું? કોણ ચગદાયું એ જાણવા સર્વ દોડવા લાગ્યાં. ઉભી રહેલી ટ્રેનમાંથી કે ડોકીયાં કાઢી જોવા લાગ્યાં. નંદા અને તરલાની છાતી ધબકવા લાગી. એમની નજર આગળ જ કોઈ ચગદાઈ ગયું હોય અને લોહી વહેતું હોય એમ એમને ભાસ્યું. ભૂજંગલાલ અને વસન્તલાલ તપાસ કરવા ગયા. સામેના પ્લૅટફૉર્મ ઉપરથી એક જણ ઉતરી આમ આવતો હતો ત્યાં એન્જીન તળે આવી ગયો અને તરત જ કપાઈ મુવો. ભૂજંગલાલે અને વસન્તલાલે આ ગરીબ નિર્ભાગી માણસને કચરાતાં, છુંદાતાં, તરફડતાં, ચીસ પાડતાં જોયો. લોહીની છોળ ઉડી, નાળીયેરના કકડા થાય એમ એની ખાપરીના કકડા થયા. બન્ને પાછા આવ્યા અને 'ખરેખર, છાતી ફાટ દેખાવ ! તરલા ! ત્હેં જોયું હત તો તો શું થાત!; એટલું બોલ્યા.

ભૂજંગલાલ ચૂપ થઈ ગયો. ગંભીર બન્યો એટલું એ જ. 'અને તરલા ! વધારે દુઃખની વાત તો એ છે કે એની સ્ત્રી ત્યાં જ હતી. પોતાના પતિને ચગદાતાં–ચગદાયેલ જોઈ એકદમ તૂટી પડી. એને - મડદાને ઉપાડતાં ત્રાયતોબા થઈ. કહે છે કે બિચારાને મોટું કુટુમ્બ છે. આખા કુટુમ્બમાં એ જ કમાનાર હતો. ગરીબ બિચારો !'

તરલાએ ભાઈના શબ્દો સાંભળ્યા કે તરત જ એ કુટુમ્બની દયા આવી. પોતાની જ એ સ્થિતિ હોય, પોતાનો પતિ ચગદાયો હોય અને પોતે-પોતાનાં છોકરાં નિરાધાર થઈ ગયાં હોય એમ એને લાગ્યું, ને ધડકતે હૃદયે બોલી,

'એ ગરીબનિરાધાર બાઈ અને છોકરીને આપણે કાંઈ મદદ ન આપી શકીયે ?'