પૃષ્ઠ:Tarlaa.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


ભાઈ બ્હેન સામેના પ્લેટફોર્મ ઉપર જઈ દાદર જવા લોકલમાં બેઠાં.

'તરલા ! શું છે? આમ ગભરાઇ કેમ ગઈ છે?'

'ભાઈ ! હું આવી તે જ દિવસે સ્ટેશન ઉપર જ આ બનાવ બન્યો. મ્હને તો વહેમ આવે છે. શું થશે ?'

'નોનસેન્સ. એવા વહેમ શા ? એમાં શું થાય છે ? આજ તારી સાથે ગાડીમાં જેટલા લોકો આવ્યા તે બધા મરી જશે કે ? ગાંડી, ચાલ, મનમાંથી એ વાત જ કાઢી નાખ. મુંબાઈ જેવા શહેરમાં એવા હજારો માણસો શેઠીયાની મોટર તળે ચગદાઈ જાય છે, એમને ને જરાયે થતું નથી. ગરીબ માણસો તો શેઠીયાની ગાડી તળે ચગદાય જ. એ તો એમ જ, એમ તેઓ માને છે. તારા ઉપર તો મ્હેં બહુ બહુ આશા બાંધી છે.'

'ભાઈ ! ભૂજંગલાલને તમારે જુનું ઓળખાણ છે?'

'હા, ભૂજંગલાલ લીલાને પરણશે એમ લાગે છે.'

'એમ ! લીલાને !' લીલાનું નામ લેતાં તરલાના હૃદયમાં કાંક થયું. પણ શું થયું, શાથી થયું તે સમજી નહિ. લીલા ભૂજંગલાલને યોગ્ય નથી એટલું તો થયું જ, પણ હૃદયની વ્યથા દૂર કરવા, આ વિચારો મનમાંથી કાઢી નાખવા તરલાએ યત્ન કર્યો અને બીજી જ વાત કહાડી.

'ભાઈ ! તારું શું છે? તારો કાગળ આવ્યો ને તરત જ હું આવી.'

'તરલા! મ્હેં તને લખ્યું હતું તેમ મ્હારી સઘળી આશા તારામાં છે.'

'પહેલાં મને અથથી તે ઈતિ કહે.'

વસન્તલાલે પોતાના ઘરનો ઇતિહાસ કહ્યો. બ્હેને ભાઈને ધીરજ આપી. દાદરનું સ્ટેશન આવતાં ઉતયાંં અને ઘરમાં દાખલ થયાં. વસન્તલાલ ઑફીસનો સમય થવા આવેલ હોવાથી પરવારી મુંબાઈ જવાની તૈયારી કરવા લાગ્યો.

-- . ....