પૃષ્ઠ:Tarlaa.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
લીલા અને તરલા.



પ્રકરણ ૧૩ મું.
લીલા અને તરલા.

તરલા ભાઈના પત્ર ઉપરથી નાની નણંદનું કામ સાધવા, ભાઈભાભીની આંટીઘૂંટી કહાડવા આવી હતી. કાંઈ મુંબાઈ જોવા અગર સંબંધીઓને મળવા આવી નહોતી. આવતાં વાર જ કપડાં પણ બદલ્યા પહેલાં, થાક પણ ન લેતાં ભાભીના હૃદયમાં શાન્તિ પ્રસારી ત્યારે જ એને પણ શાન્તિ મળી. આટલા જ માટે કોઈને તે દિવસે મળી નહોતી. વસન્તલાલ તરલા અને ચંદા એકલાં પડે, નિરાંતે ઉભરા કહાડે ને ઠંડા પડે એટલા માટે જાણી જોઈને જ બહાર ગયો હતો અને જમવાનું પણ બહાર રાખ્યું હતું, તરલાએ પોતાના કાર્યમાં પોતે સફળ થઈ કે તરત જ ભાઈને ચીઠી લખો ઘેર બોલાવ્યા. વસન્તલાલમાં ચંદા માટે ભાવ નહોતો એમ નહી. થતાં થઈ ગયું પણ હવે પસ્તાતો હતો. ચંદા જેવી પ્રેમાળ ગૃહિણીને અસંતોષનું કારણ અપાયું તે માટે પોતાની જાતને ધિક્કારતો હતો. ક્ષમા મળે, હૃદયમાં પાછું સ્થાન મળે તો એ રસ્તે કદી જાય નહીં એવી પ્રતિજ્ઞા કરી હતી અને સત્ય હતું. મનુષ્યને દરેક પળે સેતાન પજવે છે. લાલચથી દૂર રહેવામાં જેટલી મહત્તા નથી તેટલી મહત્તા લાલચો આવતાં ત્હેના સામા થવામાં અને તેથી પણ આકર્ષક લાલચમાં ફસાયા પછી મનોબળ દર્શાવી તેમાંથી છૂટવામાં છે. વસન્તલાલની આ સ્થિતિ હતી. આ સમયે મનુષ્યહૃદય સમજનારાં ક્ષમા આપે તો આત્મા વધારે પવિત્ર થાય છે. આમાં જ ક્ષમાનો ઉપયોગ અને હેતુ સમાયો છે. વસન્તલાલને એ ક્ષમા મળશે કે કેમ એ શંકા હતી; પરન્તુ તરલાના પ્રયાસે ક્ષમા મળી અને એક પતિત આત્માનો ઉદ્ધાર થયો. એક પતિપત્નીનું જોડું વધારે સ્નેહથી મજબૂત થયું. એક કુટુંબમાં ફરીને શાન્તિ-સ્નેહ પ્રગટયાં. જે કાર્ય છેડાછૂટકાની પદ્ધતિ ન કરી શકત, સ્વતંત્ર, સમાન હક ન કરી શકત તે કાર્ય પ્રેમ બદલ ક્ષમાએ કર્યું. ચંદા, તરલા ને વસન્તલાલ