પૃષ્ઠ:Tarlaa.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫
લીલા અને તરલા.


‘તરલા ! પાર્ટી-ક્લબમાં કંટાળો ! એ હોય જ કેમ? નવી નવી જાતનાં કપડાં-ઘરેણાં જોવાનાં મળે, કાંઈ કાંઈ તરેહનાં સ્ત્રીપુરુષોનો સહવાસ થાય, ઘરમાં એકની એક વસ્તુથી કંટાળો આવે. પાર્ટીમાં તો ઉડતો આનંદ પડે ને ત્હૈમાં તરલા ! ત્હારા જેવી તરલાને તો આનંદ જ પડવો જોઈએ.’

તરલાનાં આત્મવખાણ થતાં તરલા શરમાઈ અને બોલી,

'ના, ના, મ્હને તો પાર્ટી ગમતી જ નથી.'

'પણ તરલા, આ ફેરીની પાર્ટીમાં નહી આવે ?'

'મુંબઈમાં છું એટલે આવ્યા વિના નહી ચાલે.'

'ખરે, તરલા! ત્હારા વિના પાર્ટીની મજાહ જ નહી આવે.'

'ચાલ, એટલોએ સંતોષ. પણ મને આવવાનો આટલો આગ્રહ કરે છે તે કાંઈક અવનવું બનવાનું હશે.'

‘ત્હેં કેમ જાણ્યું? વાત સાચી છે.’

'લીલા ! મ્હેં પણ થોડી ઘણી દુનિયા જોઈ છે.'

લીલાને હસવું આવ્યું. તરલા હજી પરણી નથી એ વાત ખરી પરંતુ બીજી કન્યાઓની માફક વર ખોળવાનોને નથી. સુમનલાલ નક્કી છે–એની સાથે જ રહે છે તો પછી એણે શા અનુભવ મેળવ્યા હશે ? તરલાને પૂછું? એના અનુભવની વાત સાંભળવામાં આનંદ પડશે? હા, પહેલેથી વિવાહ કરી રાખ્યો છે એ એને ગમતો હશે કે કેમ ? એ વિષે ન્યાતમાં વાત થાય છે, પણ તરલાના મનમાં શું હશે ?

'લીલા ! તારી વાત હું જાણું છું. મારા ભાઈએ બધી વાત કરી છે. અને ભૂજંગલાલ આજ સવારે જ સ્ટેશન ઉપર મળ્યા હતા. ભૂજંગલાલને જોઈ ખુશ થઈ છું.’

ભૂજંગલાલનું નામ સાંભળતાં જ લીલાના ચહેરા ઉપર ભાવનો રંગ ફરી વળ્યો. ‘તરલા ! એ સ્ટેશન ઉપર આવ્યા હતા. વસન્તલાલે ત્હને શું કહ્યું?'